જામનગર અને દેવભૂમિ દ્વારકા તથા ભારત સહિત વિશ્વમાં ત્રીજી લહેરમાં દરરોજના લાખો કેસ પોઝિટિવ નોંધાય છે. છેલ્લાં એક સપ્તાહથી સંક્રમણ સતત વકરતું જાય છે. છેલ્લાં 48 કલાક દરમિયાન જામનગર અને દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 124 સુધી પહોંચી ગઈ છે. તેમજ હાલારમાં માત્ર 29 દર્દી સાજા થયા હતાં.
વિશ્ર્વમાં કોરોનાની ત્રીજી લહેરમાં ઓમિક્રોનના નવા વેરિએન્ટની એન્ટ્રીથી કોરોના સંક્રમણ સમગ્ર વિશ્ર્વમાં સતત વકરતું જાય છે. ભારતમાં પણ કોરોનાની ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં અનેકગણો ઉછાળો જોવા મળે છે. ગુજરાતમાં પણ પોઝિટિવ કેસોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. જેથી રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કફર્યૂનો સમય પણ તકેદારીના ભાગરૂપે વધારી દેવામાં આવ્યો છે. જ્યારે જામનગર અને દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. છેલ્લાંં 48 કલાક દરમિયાન જામનગર શહેરમાં શનિવારે 50 અને રવિવારે 40 તથા ગ્રામ્યમાં 05 અને 04 મળી કુલ 99 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે 20 દર્દીઓ સાજા થયા હતાં તેની સામે દ્વારકા જિલ્લામાં બે દિવસ દરમિયાન કોરોનામાં નવા 25 દર્દીનો ઉમેરો થયો હતો અને 9 દર્દી સ્વસ્થ થયા હતાં. આ 25 દર્દી પૈકીના 22 દર્દી દ્વારકાના અને ખંભાળિયામાં 3 નવા દર્દી ઉમેરાયા છે. આમ, હાલારમાં છેલ્લાં 48 કલાક દરમિયાન 124 પોઝિટિવ કેસ નોંધાયા હતાં.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા કેસની વિગતો જોઈએ તો શનિવારે દ્વારકામાં 12 તથા રવિવારે 10 મળી બે દિવસમાં કુલ 22 કેસ ફક્ત દ્વારકા તાલુકાના જ નોંધાયા છે. આ ઉપરાંત ખંભાળિયામાં પણ અનુક્રમે એક તથા બે મળી ત્રણ નવા કેસ નોંધાયા છે. આમ, બે દિવસના સમયગાળામાં સરકારી ચોપડે 25 નવા દર્દીઓ વધ્યા છે. જો કે આ દિવસોમાં ભાણવડ તથા કલ્યાણપુર તાલુકામાં એક પણ નવો દર્દી નોંધાયો નથી.
આ વચ્ચે રવિવારે દ્વારકાના 5 અને ખંભાળિયાનો એક તથા શનિવારે દ્વારકાનો એક અને ખંભાળિયાના બે મળી બે દિવસમાં કુલ નવ દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટની સંખ્યા વધારી અને બે દિવસ દરમિયાન ખંભાળિયા તાલુકામાં 616, કલ્યાણપુર તાલુકામાં 345, દ્વારકા તાલુકામાં 500 અને ભાણવડ તાલુકામાં 373 મળી કુલ 1839 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.