જામનગર શહેર અને જિલ્લામાં એપ્રિલ-મે દરમ્યાન હાહાકાર મચાવનાર કોરોનાની બીજી લહેર હવે શાંત પડી રહી છે, પરંતુ છેલ્લા એક પખવાડિયાથી શહેર-જિલ્લામાં કોરોનાના એક-બે કેસ નોંધાઇ રહ્યાં છે. આમ, સુષુપ્ત અવસ્થામાં રહેલો કોરોના પોતાના અસ્તિત્વની પ્રતિતિ કરાવી રહ્યો છે. જિલ્લામાં રોજ નોંધાતા એક-બે કેસ દર્શાવી રહ્યાં છે, કોરોના હજુ ગયો નથી. ક્યાંક ને ક્યાંક આપણી આસપાસ છુપાઇને બેઠો છે. જરા સરખી બેદરકારી પણ કોરોનાને ફરીથી સક્રિય કરી શકે છે. જામનગર શહેર અને જિલ્લામાં ભયાવહ બીજી લહેર બાદ પખવાડિયાથી આ લહેર સમી ગઇ હોય તેવું જણાઇ રહ્યું છે. જેને કારણે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણોમાં છૂટછાટ આપવામાં આવી છે. આ છૂટછાટનો ગેરલાભ લઇ લોકો પણ બેખૌફ બની નિયમોનો ભંગ કરવા લાગ્યા છે. ત્યારે આવા લોકોને યાદ અપાવવું જરૂરી છે કે કોરોના હજુ આપણી આસપાસ જ છે. રોજ નોંધાતા એક-બે કેસ તેની સાબિતી આપી રહ્યાં છે. ત્રીજી લહેર આવશે પરંતુ જો સાવચેતી અને સાવધાની રાખવામાં નહીં આવે, તો ઝડપથી આવશે.