કોરોનાના વધતા જતા કેસ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને હુકમ કર્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારના કોરોનાના સાચા આંકડા જાહેર કરવા જણાવ્યું છે.રાજ્યમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના કારણે લોકોમાં ભયનો માહોલ છે. કોરોનાને રોકવા માટે હવે અનેક શહેરો અને ગામડાઓએ સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કર્યો છે.
કોરોનાએ આખા ગુજરાતને બાનમાં લીધું છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં રેકોર્ડતોડ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. જો કે હજુ પણ સાચા આંકડાઓ સામે ના આવી રહ્યા હોવાના આક્ષેપો સતત લાગતા રહ્યા છે. તો હવે કોરોનાના વધતા જતા કેસ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને હુકમ કર્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારના કોરોનાના સાચા આંકડા જાહેર કરવા જણાવ્યું છે. સાચા અને પારદર્શિતાથી આંકડા જાહેર કરવા માટે ખુદ હાઈકોર્ટે હવે રાજ્ય સરકારને ટકોર કરવી પડી છે.
હાઈકોર્ટે કહ્યું કે, લોકોમાં વિશ્વાસ સંપાદિત થાય તે રીતે પારદર્શિતાથી સરકાર આંકડા જાહેર કરે. સાથે સાથે હાઈકોર્ટે કહ્યું છે કે, સરકારના જવાબદાર અધિકારી કે નેતા રોજ પ્રજાને કોરોનાની સ્થિતિ વિશે સાચી માહિતી જણાવે. હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધિ બાબતે રિયલ ટાઈમ સાચી માહિતી મળી રહે તેવુ વેબ પોર્ટલ રાજ્ય સરકાર બનાવે અને રાજ્ય સરકારના અંકુશમાં આ પોર્ટલ પર માહિતી ઉપલબ્ધ થાય. આ ઉપરાંત હાઈકોર્ટે ઓક્સિજન અને રેમડેસિવિરનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ થાય એ માટે પગલા લેવા સરકારને આદેશ આપ્યો છે.
19 એપ્રિલ સુધીમાં આ વ્યવસ્થા સુનિશ્ચિત કરી કોર્ટને સોગંધનામા પર જણાવવાનો હાઈકોર્ટે હુકમ કર્યો છે. આગામી સુનાવણી 20 એપ્રિલે થશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ, દર્દીઓને પડતી હાલાકી, દવાઓની અછતના મુદ્દે હાઈકોર્ટમાં સુઓમોટો રિટની અરજીમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે સુનાવણીમાં રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી નોંધ્યું છે કે, કોર્ટના નિર્દેશ અને સૂચનનો અમલ થયો ન હોવાથી કોરોનાની સુનામી આવી છે. 15 અને 16મી માર્ચથી સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે.