જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં દિવસથી કોરોના મહામારીના સંક્રમણમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ, જિલ્લામાં કોરોનાથી થતા મૃત્યુનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન હાલારમાં કુલ 42 નવા પોઝિટિવ કેસની સામે 134 દર્દી સાજા થયા હતાં અને જામનગર જિલ્લામાં 24 કલાક દરમિયાન 3 દર્દીઓના મોત નિપજતા ફફડાટ ફેલાઈ ગયો હતો.
ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની ત્રીજી લહેર ઓમીક્રોનમાં સંક્રમણ અનેકગણી ઝડપી વકરી રહ્યું છે પ્રથમ અને બીજી લહેર કરતા સંક્રમિત થતા લોકોની સંખ્યા સતત વધતી જાય છે. જો કે, આ ત્રીજી લહેરમાં હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કેમ કે આ લહેરમાં સામાન્ય લક્ષણો હોવાથી દર્દીઓ ઘરે આઈસોલેશન થઈને સારવાર કરાવ્યા બાદ સ્વસ્થ થઈ રહ્યા છે જેના કારણે દેશભરમાં ત્રીજી લહેરમાં પોઝિટિવ દર્દીનો રિકવરી રેટ વધુ છે. ગુજરાત રાજ્યમાં પણ કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી હતી પરંતુ છેલ્લાં બે સપ્તાહથી આ સંક્રમિત થનારા લોકોમાં ક્રમશ: ઘટાડો થઈ રહ્યો છે. જે સારી બાબત છે પરંતુ, ત્રીજી લહેરમાં છેલ્લે-છેલ્લે પોઝિટિવ દર્દીઓના મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આમ તો, 90 ટકા દર્દીઓ ઘરે જ સ્વસ્થ થઈ જાય છે. પરંતુ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓનો મૃત્યુઆંક ઉંચો જતો જાય છે.
છેલ્લાં 24 કલાક દરમિયાન હાલારમાં કુલ 42 પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેમાં જામનગર શહેરમાં સોમવારે નવા 33 કોરોના પોઝિટિવ દર્દી ઉમેરાયા છે અને તેની સામે 110 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 9 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની સામે 24 દર્દીઓ સાજા થયા છે. જો કે, કોરોનાની ત્રીજી લહેરમાં સ્થિતિ સુધારા તરફ આગળ વધી રહી છે. ત્યારે આ લહેરમાં મૃત્યુઆંક ગંભીર રીતે વધી રહ્યો છે. જેમાં છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં 3 દર્દીઓના મોત નિપજતા ફફડાટ ફેલાઈ ગયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સોમવારે ભાણવડ તાલુકાના છ અને ખંભાળિયા તથા કલ્યાણપુરના એક-એક મળી કુલ 8 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વચ્ચે દ્વારકા તાલુકાના 10 સહિત કુલ 17 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. એક દિવસમાં કોરોના અંગે આરોગ્ય વિભાગે 983 ટેસ્ટ કર્યા હતા.