દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ વધી રહ્યા હતા ત્યારે આજે દેશવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. છેલ્લા 24કલાકમાં ભારતમાં કોરોનાના નવા 25,166 કેસ નોંધાયા છે. જે 154 દિવસ બાદ સૌથી ઓછા છે. આ સાથે જ દેશમાં એક જ દિવસમાં 88લાખ કરતાં પણ વધુ ડોઝ આપીને રેકોર્ડબ્રેક વેક્સિનેશન થયું છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 154 દિવસ બાદ સૌથી ઓછા કોરોનાના 25,166 કેસ નોંધાયા છે.જયારે 437 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ કુલ મૃતકઆંક 4,32,079 થયો છે. હાલ દેશમાં 3,69,846 એક્ટીવ કેસ છે. ગઈકાલે નોંધાયેલા કેસ કરતા આજે નોંધાયેલા કેસમાં 30%નો ઘટાડો થયો છે. ગઈકાલે દેશમાં કોરોનાના 32,937 કેસ નોંધાયા હતા.
આ સાથે જ દેશમાં સોમવારે એક જ દિવસમાં 88લાખ 13હજાર લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કુલ 55 કરોડ 47 લાખથી વધુ લોકોને કોરોનાના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. ગુજરાતમાં ગઈકાલે 4,58,824 લોકોનું રસીકરણ થયું છે.રાજ્યમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 નવા કેસ સામે આવ્યા છે. સોમવારે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં હાલ 184 એક્ટિવ કેસ છે અને 7 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.