જામનગર શહેર અને જિલ્લામાં આખરે કોરોના શાંત પડયો છે અને છેલ્લા પાંચ દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ મ્યુકોર્માઇકોસિસના વધુ એક દર્દીનો વધારો થયો છે. જેથી હોસ્પિટલના ઇ.એન્ડ.ટી. વિભાગમાં ફંગસની બીમારીના ત્રણ દર્દી સારવાર હેઠળ હતા. તેમાં એક દર્દીનો ઉમેરો થયો છે. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 9 લાખ 31 હજાર જેટલા કોવિડ ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે.
જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં પાંચ દિવસ પહેલાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો અને કોવિડનો ટ્રાયલ વોર્ડ ખોલીને તેને સારવાર માટે દાખલ કરાયો હતો. ત્યારબાદ છેલ્લા પાંચ દિવસના સમયગાળા દરમિયાન કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જેથી રાહત છે. પરંતુ મ્યુકોર્માઇકોસિસના દર્દીમાં વધારો થયો છે.
જામનગરની જી.જી હોસ્પિટલમાં મ્યુકોર્માઇકોસિસની બીમારીના ત્રણ દર્દીઓ સારવાર હેઠળ છે, જે પૈકી એક દર્દીની સર્જરી કરવામાં આવી હતી અને હાલમાં ત્રણેય દર્દીઓની ઇન્જેક્શન મારફતે સારવાર ચાલી રહી છે. દરમિયાન ગઈકાલે વધુ એક નવા દર્દીઓનો ઉમેરો થયો છે. એક પુરુષ દર્દી કે જે ડાયાબિટીસની બીમારીથી પીડિત છે, ઉપરાંત મ્યુકોર્માઇકોસિસ પણ અસર હોવાથી તેઓને મેડિસિન વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઓક્સિજન હેઠળ તેઓ સારવાર મેળવી રહ્યા છે. જેમના રિપોર્ટની પણ રાહ જોવાઇ રહી છે. જેથી બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યા ચારની થઈ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 5,39,644 કોવિડ ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે. તે જ રીતે જામનગર જિલ્લા પંચાયત ની આરોગ્ય શાખા દ્વારા 3,92,188 કોવિડ ટેસ્ટ કરાયા છે, અને સમગ્ર જિલ્લામાં કુલ 9,31,832 કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે.