કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારીનું વિષચક્ર આમ આદમીને હેરાન-પરેશાન કરી રહ્યુ છે. પેટ્રોલ-ડીઝલથી લઈને ખાવા-પીવાની તમામ ચીજો મોંઘીદાટ બની જતા સામાન્ય માણસ માટે જીવવું કેમ ? તેવો પ્રશ્ન ઉભો થયો છે ત્યારે પ્રજાને મોંઘવારીનો વધુ એક ડામ આપવામાં આવ્યો છે. રાંધણ ગેસના ભાવમાં ઓચિંતો 25 રૂ.નો ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ઓગષ્ટ મહિનાની પહેલી તારીખે 14 કિ.ગ્રા.વાળા રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો પરંતુ ગઈકાલે મોડી રાત્રે ઓચિંતો રૂમ. 25નો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. 14 કિલોવાળા રાંધણ ગેસના બાટલાનો ભાવ 853 હતો તે હવે વધીને 878 રૂા. થયો છે.
જ્યારે કોમર્શિયલ બાટલાના ભાવમાં માત્ર પ રૂ.નો ઘટાડો કરવામાં આવ્યો છે. નવો ભાવ 1645 થયો છે. અગાઉ રા. 1650 હતો. છેલ્લા 8 મહિનામાં રાંધણ ગેસના ભાવમાં 165.50 રૂ. વધી ગયા છે. આ વર્ષે જાન્યુઆરીમાં ગેસના બાટલાનો ભાવ 707 હતો જે આઠ મહિનામાં વધીને 878 જેટલો થઈ ગયો છે. નવા ભાવ આજથી અમલી બની ગયા છે.
1લી ઓગષ્ટે કોમર્શિયલ બાટલા પર રૂ. 72.50નો વધારો થયો હતો. હજુ સબસીડી કેટલી ખાતામાં પહોંચી ? તે નક્કી થયુ નથી. અત્યાર સુધી 12.29 રૂમ. સબસીડોના ગ્રાહકોને મળી રહ્યા છે. તહેવારો આવી રહ્યા છે ત્યારે રાંધણ ગેસના ભાવમાં ઓચિતો વધારો કરવામાં આવતા ગૃહિણીઓમાં ભારે દેકારો મચી ગયો છે. એવુ જણાય છે કે પેટ્રોલ-ડોઝલની જેમ સરકાર પણ હવે સતત રાંધણ ગેસના બાટલાના ભાવ વધારતી રહેશે.
રસોઇ વધુ મોંઘી થઇ : ગેસના બાટલામાં રૂપિયા 25નો વધારો
14 કિલોનું ગેસ સિલિન્ડર 878નું થયું : આઠ મહિનામાં રૂપિયા 165નો વધારો