જામનગર શહેરી વિસ્તારમાં લમ્પી ડીસીઝનાં રોગચાળા અન્વયે લમ્પી ડીસીઝનાં કારણે ઉતરોતર 8 દિવસમાં કુલ 90 બિનવારસુ ગાયોના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. તેમ જામનગર નાયબ પશુપાલન નિયામકે જણાવ્યું હતું.
જામનગર મહાનગરપાલીકાના સોલીડ-વેસ્ટ શાખામાં પૂછપરછ કરતા પશુઓના મૃત્યુ લમ્પી ડીસીઝથી જ થયેલ છે. તે બાબતેનું પોસ્ટ મોર્ટમ કે ખરાઈ જામનગર મહાનગરપાલિકાના પશુ ચિકિત્સા અધિકારી દ્વારા થયેલ નથી. ઉપરાંત આ બાબતની જાણ તેઓ દ્વારા પશુચિકિત્સા અધિકારી, પશુદવાખાના, જામનગરને કરવામાં આવેલ ન હતી.
તેમજ રોગચાળામાં પશુઓની સમયસર સારવાર કરવામાં આવે તો પશુઓમાં મૃત્યુ નિવારી શકાય છે. જેથી સારવાર માટે 1962 મોબાઈલ પશુ દવાખાનાનો સંપર્ક કરવો અથવા પશુ દવાખાના તથા વિવિધલક્ષી પશુ દવાખાના, સરૂ સેક્શન રોડ, જામનગર ખાતે પશુઓની સારવાર કરાવવી તેમજ તંદુરસ્ત પશુઓને આ રોગ વિરોધી રસીકરણ કરાવવા નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા અપીલ કરવામાં આવી છે.