જામનગર મહાનગરપાલિકા દ્વારા કન્સલ્ટન્સી સર્વિસ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. ગુરૂવારે યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં જુદાં-જુદાં કામોની કન્સલ્ટન્સી સર્વિસ માટે લગભગ સાડા છ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ બનાવવાના કામનું આયોજન કરી તેના ડીપીઆર તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરી તેમને 4.89 કરોડની કન્સલ્ટન્સી ફી ચૂકવવાનો નિર્ણય કરી આ ખર્ચ સ્થાયી સમિતિએ મંજૂર કર્યુ છે. અલબત આ કામગીરી તબક્કાવાર કરવાની થાય છે. આ ઉપરાંત વોટર વર્કસ શાખાના જુદા જુદા કામો માટે સર્વે, ફીઝીબીલીટી રિપોર્ટ, ડીપીઆર, ડીટીપી સર્વે, સોઇલ ઈન્વેસ્ટીગેશન, ટેન્ડરો તૈયાર કરવા, સ્ટ્રકચર ડીઝાઈન પ્રૂફ ચેકિંગ, થર્ડપાર્ટી ઈન્સ્પેકશન તથા ડે ટુ ડે સુપરવીઝન માટે 99.90 લાખના કન્સલ્ટન્સી ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે લાલપુર બાયપાસ જંકશન પર ચાલી રહેલા સીક્સલેન ફલાયઓવર બનાવવાના કામમાં કન્સલ્ટન્સીનો વધારાનો રૂપિયા 42 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આમ માત્ર ત્રણ કામો માટે જ જામ્યુકો દ્વારા કન્સલ્ટન્સી પેટે રૂપિયા સાડા છ કરોડનું ખર્ચ કરવામાં આવશે!
અત્રે ઉલ્લેખનીય છે કે,જામ્યુકો પાસે છ આંકડાનો પગાર વસૂલતા બાહોશ ઈજનેરોની ફોજ હોવા છતાં દરેક કામમાં શા માટે કન્સલ્ટન્ટ રોકવામાં આવે છે અને તેમને કરોડોના ચૂકવણા કરવામાં આવે છે તેવો પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે. જો બધા જ કામ કન્સલ્ટન્ટ પાસે જ કરાવવાના હોય તો આ ઈજનેરોએ કરવાનું શું ? તે પણ એક મોટો પ્રશ્ન છે. ઈજનેરી કળાની મસમોટી ડિગ્રી ધરાવતા આ ઈજનેરો કોઇ કામના ટેન્ડર કે ડીપીઆર પણ તૈયાર ન કરી શકે ? આ માટે પણ કન્સલ્ટન્ટની મદદ લેવી પડે ? તે પણ વિચારવા યોગ્ય પ્રશ્ન છે. અલબત જામ્યુકોમાં કામ કરતા ઉચ્ચ ઈજનેરો ઈજનેરી કામ ઓછું અને વહીવટી કામ વધુ કરતા હોવાનું જોવા મળ્યું છે.
ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને ગુરૂવારે યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 35.47 કરોડના જુદા જુદા કામોના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જેમાં જામનગરમાં બે જગ્યાએ બનાવવામાં આવેલા ગણેશ વિસર્જન કુંડ માટે 28.57 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે જામનગરમાં 15 સીએનજી બસ પીપીપીના ધોરણે ચલાવવા માટે વાર્ષિક રૂા.92.34 લાખના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી હતી. સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વોર્ડ નંબર-9, 11 અને 16માં આવેલા કુલ 9 કોમન પ્લોટમાં વન વિભાગ દ્વારા અંદાજે 12.26 લાખ ચોરસ ફુટ વિસ્તારમાં પ્લાન્ટેશન કરવામાં આવશે. બગીચા માટેના અનામત એવા આ પ્લોટ પ્લાન્ટેશન માટે વન વિભાગને ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ શહેરમાં રોયલ ગ્રીન સમર્પણ સર્કલ પાસે, નવા નાગના વ્હોરાના હજીરા પાસે, યુનીટી બ્રાસ લાલપુર રોડ તથા મહાપ્રભુજી બેઠક પાસે આવેલા અનામત પ્લોટમાં જાપાની ‘મિયાવાકી’ પદ્ધતિથી ઘનિષ્ઠ વનિકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે મહાપાલિકા દ્વારા રૂા. સવા કરોડનું ખર્ચ કરવામાં આવશે. ‘મિયાવાકી’ પદ્ધતિ કે જેમાં 1 ચો.મી.માં 3 વૃક્ષો વાવવામાં આવશે. લાંબી, મધ્યમ તથા ટૂંકી સીઝનને અનુરૂપ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ પદ્ધતિથી વૃક્ષો ઝડપથી ઉગતા હોવાના કારણે ઓક્સિજન મળી રહે છે.
આ બેઠકમાં ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની, આસી. કમિશનર મુકેશ વરણવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


