દેશભરમાં ચેક રિટર્નના કેસોનું ભારણ વધી જતાં એક સુઓ મોટો પિટિશનના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે નેગોશિયેબલ ઈન્સ્ટ્રમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના કેસોનો ઝડપી નિકાલ કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે પાંચ રાજયોમાં ખાસ કોર્ટની રચના કરવાનો આદેશ આપ્યો હતો. જે મુજબ ગુજરાતમાં પાંચ ખાસ કોર્ટની રચના કરાઈ છે, જેમાં અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય તથા સુરત, વડોદરા અને રાજકોટ ખાતે આ ખાસ કોર્ટની રચના થશે. સુરતમાં આગામી તા. 1લી સપ્ટેમ્બરથી કોર્ટ બિલ્ડિંગમાં પહેલાં માળે 11 નંબરના રૂમમાં આ કોર્ટ શરૂ થશે.
મહત્વનું છે કે, સુઓ મોટો પિટિશન બાદ સુપ્રીમ કોર્ટે એક નિષ્ણાત સમિતિની રચના કરી હતી. જેણે પોતાના રિપોર્ટમાં ચેક રિટર્નના 26 લાખથી વધુ કેસ પેન્ડિંગ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. પરંતુ આશ્ચર્યજનક રીતે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના પાંચ મહિનામાં બીજા 7.37 લાખ કેસો નોંધાતા કુલ પેન્ડિંગ કેસની સંખ્યા 33.44 લાખ ઉપર પહોંચી ગઈ હોવાનું બહાર આવ્યું હતું.
આ કેસો હાલમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ હોવાનું બહાર આવતા સર્વોચ્ચ અદાલતે આ પાંચ રાજયના પાંચ મુખ્ય શહેરોમાં ખાસ કોર્ટની રચના માટે આદેશ કર્યો હતો. આ કોર્ટની અવધિ એક વર્ષની રહેશે અને તેમાં નિમણૂંક પામનારા જજ અને કર્મચારીઓ પણ નિવૃત કોર્ટ સ્ટાફને જ લેવાશે અને કોર્ટમાં જે કેસમાં સમન્સ ઈશ્યું થઈ ગયા છે સૌથી જૂના કેસો પહેલાં હાથ ધરાશે. તેમજ સ્ટાફને ઓનેરિયમ ફિક્સ મહેનતાણું અપાશે.