Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતનકામી યોજનાઓ-કોન્ટ્રાકટ પધ્ધતિને તિલાંજલિ આપવા વિચારણા

નકામી યોજનાઓ-કોન્ટ્રાકટ પધ્ધતિને તિલાંજલિ આપવા વિચારણા

આગામી બજેટમાં રોજગારી પર રહેશે સરકારનું ફોકસ : કોન્ટ્રાકટ પ્રથા બંધ થશે તો ખુલશે કાયમી નોકરીના દ્વાર : આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં થશે બજેટ અંગે ચર્ચા

- Advertisement -

આગામી બજેટમાં રાજય સરકાર કેટલાક ક્રાંતિકારી નિર્ણયો અંગે વિચારણા કરી રહી છે. બજેટમાં બિનજરૂરી ખર્ચાઓ ઉપર કાપ મૂકીને કેટલીક નકામી યોજનાઓ બંધ કરવા તથા આઉટ સોર્સિંગ પ્રથા બંધ કરવા પર પણ ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. આ પ્રકારનો નિર્ણય કરીને રાજય સરકાર રોજગારી પર ફોકસ કરવા ઇચ્છી રહી છે. એટલું જ નહીં આગામી વર્ષમાં મોટાપાયે સરકારી નોકરીઓની ભરતી કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. રાજય સરકારના આ નિર્ણયથી કાયમી નોકરીના દ્વાર ખુલી જશે અને બેરોજગારીની સમસ્યા પર અંકુશ મેળવી શકાશે.

- Advertisement -

બજેટ સંદર્ભે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર બજેટ અંગે ચર્ચાઓ કરવામાં આવશે. બજેટની તૈયારીઓને લઈને વિભાગોની શું સ્થિતિ છે તેની પણ સમિક્ષા કરાશે. તે ઉપરાંત ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર જી20 અંગેની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવશે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન અંગે પણ ચર્ચાઓ કરાશે. તે ઉપરાંત કૃષિ વાવેતર તથા હાલમાં વ્યાજખોરો સામે ચાલી રહેલા અભિયાનને લઈને સમીક્ષા થઈ શકે છે. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિ વિષયક બાબતોની પણ ચર્ચાઓ કરવામાં આવશે. ગુજરાતમાં ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક જીત મેળવીને ભાજપની સરકાર કામે લાગી ગઈ છે. ડબલ એન્જિન સરકાર દ્વારા રાજ્યમાં વિકાસ કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે લોકોની ફરિયાદો સીધી જ મુખ્યમંત્રી સુધી પહોંચે અને મુખ્યમંત્રીના કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડવા માટે એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર રાજ્યનો કોઈપણ નાગરીક ફરિયાદ કરી શકશે.

- Advertisement -

ફેબ્રુઆરીમાં યોજાનારા વિધાનસભાના બજેટ સત્રની તૈયારીઓ ચાલી રહી છે. આ વખતના બજેટમાં ખોટા ખર્ચા થતાં હોય એ પ્રકારની અને નકામી લાગતી હોય તેવી યોજનાઓને બંધ કરવામાં આવશે. સરકાર દ્વારા તમામ વિભાગોના IAS અધિકારીઓને આ સંદર્ભમાં સૂચના આપી દેવામાં આવી છે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે IASઅધિકારીઓને પોતાના વિભાગમાં હાલમાં કઈ કઈ યોજનાઓ ચાલી રહી છે તેની પાછળ વર્ષ દરમિયાન કુલ કેટલો ખર્ચ થાય છે અને તેનો લાભ કેટલા લોકો સુધી પહોંચે છે વગેરે જેવી ડીટેલ આપવાની રહેશે. આવી ભેગી થયેલી માહિતીને આધારે સરકાર કેટલીક યોજનાઓને બંધ કરવાનો તો અમુક યોજનાઓમાં અપાતા લાભો ઓછા કરવાનો નિર્ણય લેવામાં આવશે. તે ઉપરાંત સચિવાલયના સુત્રો એવું પણ જણાવે છે કે, રાજ્યમાં મોટા પાયે ભરતી થઈ શકે છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિમાંથી પણ મુક્તિ મળી શકે છે. આઉટ સોર્સિંગ પ્રથા પણ દૂર કરવાની સરકારમાં વિચારણા ચાલી રહી છે. આગામી બજેટમાં સરકાર જાહેરાત કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular