મોંઘવારી, જીએસટી અને કેન્દ્ર સરકારની નીતિઓ સામે કોંગ્રેસ શુક્રવારે રોડથી સંસદ સુધી વિરોધ પ્રદર્શન કરી રહી છે. રાહુલ-પ્રિયંકા પીએમના નિવાસસ્થાને ઘેરાવ કરશે. પ્રિયંકા પણ કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. કોંગ્રેસનાં પ્રદર્શનને જોતા અકબર રોડ પર ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
પોલીસે ત્રણ સ્તરોમાં જવાનોને તહેનાત કર્યા છે. અંદર કોઈપણ કાર્યકરને જવા દેવામાં આવતા નથી. આ દરમિયાન, કેન્દ્રનો વિરોધ કરવાતા સોનિયા, રાહુલ સહિત કોંગ્રેસના તમામ સાંસદો ગૃહમાં કાળા કપડા પહેરીને પહોંચ્યા છે. કોંગ્રેસના સાંસદોએ મોંઘવારી અને બેરોજગારી સામે પોતાનો વિરોધ નોંધાવવા સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરી હતી. આ પદયાત્રામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ જોડાયા છે. કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે, સ્પષ્ટ છે કે આ દેશમાં અમે લોકો પરના હુમલા સામે લડી રહ્યા છીએ. આ લડાઈ લાંબી છે અને અમે લડતા રહીશું. બેરોજગારી અને મોંઘવારી અમારા મુદ્દા છે. દિલ્હી ઉપરાંત સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે ધરણાં પ્રદર્શન કરવામાં આવી રહયા છે. મોંઘવારી સામે બેનરો અને પોસ્ટરો તેમજ સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજવામાં આવી રહ્યા છે.