જોડિયા તાલુકા પંચાયતમાં પ્રમુખપદને લઇને બરાબરનો પેચ ફસાયો છે. અહીં ભાજપને તોતિંગ બહુમતિ મળી હોવા છતાં પોતાના પ્રમુખ બનાવી શકશે નહીં. ભારે બહુમતિ છતાં જોડિયા તાલુકા પંચાયતમાં પ્રમુખપદે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યને બેસાડવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
જોડિયા તાલુકા પંચાયતમાં પ્રમુખપદ અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ અનામત કેટેગરીમાં તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પૈકી એકમાત્ર બેઠક દૂધઇની આવે છે. ગઇકાલે જાહેર થયેલાં પરિણામોમાં ભાજપાએ તાલુકા પંચાયતની 16 પૈકી 13 બેઠકો જીતીને બે તૃતિયાંશ બહુમતિ હાંસલ કરી છે. પરંતુ તેના પ્રમુખપદ માટેના ઉમેદવાર જ હારી જતાં અહીં અસમંજશની સ્થિતિ નિર્માણ પામી છે. દૂધઇની બેઠક પર કોંગ્રેસના નાથાલાલ છગન સાવરિયા ચૂંટાઇ આવ્યા છે. પ્રમુખપદ માટે આ એકમાત્ર ઉમેદવાર હોય નિયમ મુજબ તેમને પ્રમુખ બનાવવાનો ફરજિયાત થઇ પડયું છે. આવી સ્થિતિમાં જોડિયા તાલુકા પંચાયતમાં શાસન તો ભાજપનું રહેશે. પરંતુ પ્રમુખપદ કોંગ્રેસ પાસે જશે.
આ અંગે જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઇ મુંગરાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ માટે તાલુકા પંચાયતમાં એક જ બેઠક અનામત છે અને તે બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે. પરિણામે નિયમ મુજબ તેઓ પ્રમુખ બનશે પરંતુ શાસનધુરા તો અમારી પાસે જ રહેશે. તેમણે રાજકીય સમીકરણો અંગે એવો પણ સંકેત આપ્યો હતો કે, શકય છે કોંગ્રેસના એ જિતેલા ઉમેદવાર ભાજપમાં પણ જોડાઇ જાય. આમ જોડિયા પ્રમુખપદનો જંગ ભારે રસપ્રદ બન્યો છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, જોડિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના માત્ર 3 સભ્ય જ ચૂંટાયા છે. નિયમ મુજબ એક તૃતિયાંશ સભ્ય પક્ષ બદલાવે તો તેમને એન્ટી ડિફેકશન લો (પક્ષાંતર વિરોધી ધારો) લાગુ પડતો નથી. તે જોતાં જોડિયા તાલુકા પંચાયતમાં 3 પૈકી 1 સભ્ય પણ પક્ષપલ્ટો કરે તો તેને પક્ષાંતર વિરોધી ધારો લાગુ પડી શકે નહીં. તે જોતાં કોંગ્રેસના ચૂંટાયેલાં પ્રતિનિધિ આગામી સમયમાં ભાજપમાં જોડાઇ જાય તેવી પૂરી સંભાવનાઓ જોવાઇ રહી છે.