- Advertisement -
સમગ્ર રાજ્યભરમાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ કાર્યક્રમની શરુઆત ગઈકાલથી થઈ છે. જેના ભાગરૂપે ખંભાળિયા નજીક આવેલા રામનગર સ્થિત દેરામોરા પ્રાથમિક શાળામાં નર્મદા જળ સંચય અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સંયુકત સચિવ એચ.બી. મારડીયાના અધ્યક્ષ સ્થાને ગુરુવારે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દેરામોરા સ્કુલ તથા બાલનાથ શાળાના મળી ધો.1 માં કુલ 39 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને આવકારવામાં આવ્યા હતા. આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર 9 જેટલા ભૂલકાઓને રમકડાંની કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં સંયુકત સચિવ એચ.બી. મારડીયાએ જણાવ્યું હતું કે સો ટકા નામાંકન થાય, ડ્રોપ આઉટ રેશીયો ઘટે અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે તે માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા રંગેચંગે સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. ધો.1 થી 8 માં પ્રથમ ત્રણ ક્રમ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળામાં અનુદાન આપનારા દાતાઓનું પણ સન્માન કરાયું હતું. કાર્યક્રમના અંતે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના જિલ્લાના પ્રતિનિધિ, આઇ.સી.ડી.એસ.ના પૃથ્વીબેન પટેલ, દેરામોરા શાળાના આચાર્ય જ્યોતિષભાઈ ચૌધરી, સહિતના આગેવાનો, વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
- Advertisement -