કોરોના મહામારીને લીધે જીએસટી કાયદા હેઠળ ઇ વે બિલનું રિટર્ન બે કે તેથી વધારે વખત ન ભરાયું હોય તો જીએસટી વિભાગ છૂટછાટ આપતો હતો. ઇ વે બિલ બનવાની પ્રક્રિયાને બ્લોક કરાતી ન હતી પરંતુ હવે આ છૂટછાટ 15 ઓગસ્ટથી બંધ થવા જઇ રહી છે. સ્વતંત્રતા દિવસથી હવે રિટર્ન નહીં ભરાયા હોય તો તે બ્લોક થઈ જશે.
કોરોના મહામારી હળવી થઇ જતા હવે જીએસટી વિભાગ હરકતમાં આવ્યો છે અને આ જાહેરાત કરવામાં આવી છે. મહામારીમાં વેપારીઓને રાહત આપવા માટે ઇ વે બિલ બ્લોક કરવામાં સરકાર દ્વારા રાહત આપવામાં આવી હતી. જોકે હવે 15 ઓગસ્ટથી જે વેપારી માસિક રિટર્ન ભરવા જવાબદાર હોય તેમના મે અને જૂન મહિના કે તેથી વધુના 3બી રિટર્ન બાકી હશે તો તેઓના જીએસટીઆઇએન ઉપર ઇ વે બિલ જનરેટ થઈ શકશે નહીં.
આ ઉપરાંત ત્રિમાસિક 3બી ભરવા જવાબદાર વેપારી કે જેઓના જાન્યુઆરીથી માર્ચ અને એપ્રિલથી જૂન એમ બે ત્રિમાસ કે તેથી વધુના જી.એસ.ટી. રિટર્ન બાકી હશે તો તેઓના જીએસીઆઇએન ઉપર ઇ વે બિલ જનરેટ થઈ શકશે નહીં. કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતા કે જેમના જાન્યુઆરીથી માર્ચ અને એપ્રિલથી જૂનના CMP-08 (ટેક્સ પેમેન્ટ) બાકી હશે તેમના જીએસટીઆઇએન ઉપર પણ ઇ વે બિલ બનવાનું બ્લોક થઈ જશે.
જી.એસ.ટી. પોર્ટલ ઉપર આ અંગે કરદાતાઓને આ અંગે સૂચના આપવામાં આવી છે કે જે કરદાતાઓના બાકી રિટર્ન છે તેઓ દ્વારા ભરી આપવામાં આવે, અન્યથા 15 ઓગસ્ટ 2021 થી તેઓના જીએસીઆઇએન ઉપર ઇ વે બિલ બનવાના બ્લોક થઈ જશે.