ભાણવડથી આશરે 20 કિલોમીટર દૂર રાણપર ગામે દૂધની ડેરી ધરાવતા રામાભાઈ કેશુભાઈ ઓડેદરા નામના 32 વર્ષના મેર યુવાન ગત તારીખ 7 ના રોજ સાંજના સમયે પોતાની ડેરી બંધ કરીને નીકળ્યા હતા. ત્યાર બાદ તારીખ 8 ના રોજ સવારના સમયે પરત આવતા તેમની દૂધની ડેરીના દરવાજાનો નકુચો તૂટી ગયેલી હાલતમાં જોવા મળ્યો હતો. આમ, રાત્રિના સમયે ડેરીમાં ખાબકેલા તસ્કરોએ અહીં રાખવામાં આવેલું કોમ્પ્યુટરનું મોનિટર, સીપીયુ, કી-બોર્ડ, માઉસ અને પ્રિન્ટર ઉપરાંત રૂપિયા 6,000 ની કિંમતનું દૂધ મીડિયમ કરવાનું મશીન વિગેરેની ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું હતું.
આમ, તસ્કરોએ કુલ રૂપિયા 26,000 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ જવા સબબ રામાભાઈ ઓડેદરાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે અજાણ્યા તસ્કરો સામે આઈપીસી કલમ 380 તથા 457 મુજબ ગુનો નોંધી, પી.એસ.આઈ. એમ.કે. ગઢવી તથા સ્ટાફ દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.