જામનગરની કેટલીક શાળાઓ દિવાળી વેકેશન ટૂંકાવી શાળા વહેલી ખોલવા તૈયારી કરી રહી હોય, જેના વિરોધમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા આવેદનપત્ર પાઠવી આ અંગે કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ દિવાળી વેકેશનમાં શાળા ખુલ્લી હશે તો તે શાળા બંધ કરાવવા પણ ચિમકી અપાઇ છે.
જિલ્લા શિક્ષણાધિકારીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, શિક્ષણ વિભાગ દ્વારા તા. 9થી 29 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરાયું છે, પરંતુ કેટલીક શાળાઓ શાળા વહેલી ખોલવા માટે તૈયારી શરુ કરી દીધી છે. આ સમયમાં સ્કૂલ ડ્રેસ વગર શાળાએ આવવું, એકસ્ટ્રા ટ્યૂશનના નામે તથા ડાઉટ સોલ્યુશનના નામે વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવાના ટુક્કા લગાવવામાં આવશે. આથી કોઇપણ શાળા વેકેશન પૂર્ણ થાય તે પહેલાં શાળા ચાલુ ન કરે તેની તકેદારી રાખવા માગણી કરાઇ છે. જો કોઇપણ શાળા વેકેશન દરમિયાન ખુલ્લી હશે તો યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા તે શાળા બંધ કરાવવાની ચિમકી અપાઇ છે.
એનએસયુઆઇ જામનગર શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, એનએસયુઆઇ ગુજરાત મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, યુવક કોંગ્રેસ જામનગર પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ અને યુવક કોંગ્રેસ ગુજરાત મંત્રી શક્તિસિંહ જેઠવા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.