માલપુરના વાંકાનેડા ગામની સીમમાં રહેતા એક ગરીબ પરિવારે તેના દીકરાને 10,000 રૂપિયામાં ગીરવે મુક્યો હોવાની ઘટના સામે આવી છે. 12 વર્ષના દીકરાની માતાને વાલ્વની તકલીફ હોય અને તેની સારવાર અર્થે રૂપિયાની જરૂર હોવાથી પરિવારે પોતાના દીકરાને ઘેટા બકરા ચરાવવા અર્થે ગીરવે મુક્યો હતો. મોડાસાના ખંભીસરમાં 3 દિવસ પહેલા બાળક ગીરવે મુકવામાં આવ્યો હતો. તંત્ર દ્રારા તેનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે.
વાંકાનેડામાં રહેતા એક ગરીબ પરિવાર પાસે પૈસા ન હોવાથી તેઓએ તેના 12 વર્ષના દીકરાને ઘેટા બકરા ચરાવવા અર્થે મોડાસાના ખંભીસરમાં રૂ.10,000માં ગીરવે મુક્યો હતો. આ બાળકની માતાને વાલ્વની તકલીફ હોય અને તેની સારવાર અર્થે તેઓને પૈસાની જરૂર હોવાથી મજબૂરીના હિસાબે આ પગલુ ભરવું પડ્યું હતું. જીલ્લા બાળ સુરક્ષાના અધિકારીઓને આ અંગે જાણ થતાં તેને ગામમાં જઈને જોયું તો પરીવારનું કાચું મકાન હતું અને માતા-પિતા તથા તેના ત્રણ સંતાનો હતા અને માતા બીમાર હોવાથી પરિવારે આ પગલું ભર્યું હતું. જે જોઈને અધિકારીઓ પણ ભાવુક બન્યા હતા.
જીલ્લા બાળ સુરક્ષા વિભાગના કર્મચારીઓ બાદમાં બાળકને લઇ આવ્યા હતા અને બંને પરિવારોને બોલાવીને કાર્યવાહી કરવામાં આવશે. આ બાળકનું રેસ્ક્યુ કરીને તંત્ર દ્રારા હાલ તેને હિંમતનગર ચાઈલ્ડ હોમમાં રાખવામાં આવ્યો છે.