જામનગરની જિલ્લા જેલમાં રહેલા કાચા કામના કેદીને જેલના ત્રણ કર્મચારીઓએ બેરેકમાંથી બહાર કાઢવા માટે બોલાચાલી કરી આડેધડ માર માર્યાની ભોગ બનનાર કેદીના પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત મુજબ, રાજકોટના રેલનગરમાં રહેતો અને હાલ જામનગરની જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા પ્રવિણ બળદેવ સેનાજીયાની બેરેકમાં અન્ય કેદી રહેવા આવતા પ્રવિણને બેરેકમાંથી બહાર કાઢવા માટે ભરત રાનાણી, વિનોદ સોલંકી, ચેતનસિંહ સહિતના ત્રણ જેલ કર્મચારીઓએ પ્રવિણ સાથે બોલાચાલી કરી આડેધડ માર મારતા હાથના કાંડામાં અને કાનમાં ઈજા પહોંચી હતી. જેલના કર્મચારીઓ દ્વારા કાચા કામના કેદી ઉપર કરાયેલા હુમલાની ઘટનામાં પ્રવિણની પત્ની પાયલબેન દ્વારા સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જેલના ત્રણ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીએસઆઈ બી.એસ.વાળા તથા સ્ટાફે જેલના ત્રણ કર્મચારીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.