જામનગરના ઇતિહાસમાં સૌથી મોટી જીએસટી રેઇડ છેલ્લા સાત દિવસથી રાજ્યની જુદી જુદી સાત ટીમો દ્વારા તપાસ અને ચેકિંગ કાર્યવાહી ચાલી રહી છે. આ ચેકિંગ કાર્યવાહી દરમ્યાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયાની ઓફિસ તથા રહેણાંક મકાન અને જુદી જુદી 20 પેઢીઓમાં તપાસ અંતર્ગત જામનગરની એક પેઢી દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિરૂઘ્ધ રૂપિયા 2.93 કરોડની ખોટી એન્ટ્રી વેપારીની જાણ બહાર કરાઇ હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ છે.
મળતી વિગત મુજબ જામનગર શહેરના હીરજી મિસ્ત્રી રોડ પર આવેલી બ્રહ્મ એન્ડ એસોસિએટ્સ નામની પેઢીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયા દ્વારા જામનગર તાલુકાના મોટી લાખાણી ગામના પ્રદીપસિંહ લાલુભા જાડેજા (ઉ.વ.42) નામના વેપારીની ધરતી સેલ્સ કોર્પોરેશન નામની વાહન સ્પેરપાર્ટસની પેઢીમાં જીએસટીના રીટર્નમાં વેચાણના ગ્રાહકોના બિલની જગ્યાએ અન્ય જીએસટીધારક વેપારીઓના મોટી રકમના ખોટા બિલો દર્શાવી જીએસટી પોર્ટલ ઉપર ભરવાપાત્ર રીટર્નમાં બોગસ બિલો દર્શાવી રૂા. 2,93,83,332ની વેરાશાખ જાણ બહાર અન્ય વેપારીઓને આપી વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પીએસઆઇ પી. એન. મોરી તથા સ્ટાફએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયા વિરૂઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર કૌભાંડ તા. 01-04-2021 થી તા. 31-03-2025 સુધીના હિસાબી વર્ષ દરમ્યાન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જો કે, એક સપ્તાહથી ચાલી રહેલી જીએસટી કૌભાંડની તપાસમાં મુખ્ય સૂત્રધાર અલ્કેશ પેઢડિયા હજી સુધી હાથ લાગ્યો નથી અને તેને જીએસટી વિભાગ દ્વારા સમન્સ નોટીસ પાઠવવામાં આવી છે.
જામનગરના ઈતિહાસની જીએસટીના સૌથી મોટા કૌભાંડમાં રાજ્યની જુદી જુદી સાત ટીમો દ્વારા છેલ્લા એક સપ્તાહથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને 20 જેટલી વેપારી પેઢીઓમાં દિવસ-રાત એક કરી, રજાના દિવસોમાં પણ તપાસ ચાલુ રાખવામાં આવી હતી. જામનગરમાં જુદી જુદી 20 પેઢીઓમાં ચાલી રહેલી જીએસટી તપાસમાં આશરે 500 કરોડની વધુના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે. અંદાજે 100 કરોડથી વધુના ફેક ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)ના ક્લેઇમ કરાયા હોવાની આશંકા પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. જીએસટી વિભાગ દ્વારા હજી પણ દસ્તાવેજો, બિલો અને એકાઉન્ટની તપાસ ચાલુ છે. આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની તથા વધુ પેઢીઓના વ્યવહારોની ચકાસણી પણ થઇ શકે તેવી શક્યતાઓ રહેલી છે.
જામનગરના ઇતિહાસનું સૌથી મોટું જીએસટી કૌભાંડની તપાસ ચાલી રહી છે. પરંતુ અત્યાર સુધીની સાત દિવસની તપાસ દરમ્યાન અંદાજે રૂા. 500 કરોડથી વધુના શંકાસ્પદ વહેવારો અને રૂા. 100 કરોડની વધુના ઇનપુટ ટેક્સ ક્રેડિટના વ્યવહારો બહાર આવતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનિય છે કે, વિશાળ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયાની પેઢી બ્રહ્મ એન્ડ એસોસિએટ્સ દ્વારા આચરવામાં આવ્યું હોવાનું જીએસટીની ટીમની તપાસ દરમ્યાન ખુલ્યું છે. આ જંગી કૌભાંડની તપાસ હજી કેટલી પેઢીઓ સુધી પહોંચી શકશે તે કહી શકાય તેમ નથી અને રૂા. 500 કરોડના શંકાસ્પદ વ્યવહારોનો આંકડો કયાં જઇને અટકશે તે જીએસટી ટીમની તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઇ શકે તેમ છે.


