- Advertisement -
દેવભૂમિ દ્વારકા તાલુકામાં એક પરિવારની સંયુક્ત માલિકીની આશરે 70 થી 80 લાખ રૂપિયાની કિંમત ધરાવતી જમીન પર મહિલાઓ સહિતના 20 આસામી પરિવાર દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ તથા બાંધકામ સંદર્ભે આ તમામ સામે સ્થાનિક પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દ્વારકા તાલુકાના વરવાળા ગામે આવેલી ધર્મશાળાની સામે રહેતા રમેશભાઈ સોમજીભાઈ અગ્રાવત નામના 52 વર્ષિય બાવાજી આસામીની સંયુક્ત પરિવારની ભાઈઓ ભાગની આશરે 19 એકર જેટલી કુલ જમીન પૈકી વરવાળા ગામના રેવન્યુ સર્વે નંબર 1188 પૈકીની આશરે ત્રણ એકર જેટલી ખુલ્લી જમીન પર વર્ષ 2017 થી સમયાંતરે આ વિસ્તારમાં રહેતા હનીફ મંગા સોઢા, વિપુલ પરસોતમભાઈ વાણંદ, લાખા અરજણ રાજગોર, કાના સોમા મોરડાવ, ભીમા જીવા મોરડાવ, સાગર દેવા રાજગોર, માલા રણમલભાઈ, ભારા જીવા ખાંભલા, સુરા જીવણ ખાંભલા, રામા ભીમા નાગેશ, લાલા ભીમા નાગેશ, રૂપાભાઈ સુરાભાઈ પંડત, હાજાભાઈ વર્ષાભાઈ, હરીભાઈ રણમલભાઈ, વીરાભાઈ વર્ષાભાઈ, લખમણ પુનરાજભાઈ, રવિ કારૂ ધાંધલ, ભારતીબેન દુલાભાઈ, રામ લખમણ ધાંધલ અને સામત લખમણ મોરી નામના કુલ વીસ આસામીઓ દ્વારા ઉપરોક્ત જમીન ધીમે ધીમે વણાંકી લઈ અને દબાણ કરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ દબાણકર્તાઓએ પાકા મકાન પણ બનાવી લઈ, અંદર વસવાટ કરવા લાગ્યા હતા.
આ જગ્યાના મૂળ માલિક રમેશભાઈ શામજીભાઈ તેમના પરિવારજનો સાથે ઉપરોક્ત આસામીઓને દબાણ નહીં કરવા તથા કરેલું દબાણ દૂર કરવાનું કહેતા આ શખ્સોએ ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓએ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આશરે રૂપિયા 70 થી 80 લાખ જેટલી કિંમત ધરાવતી પારકી જગ્યાને પોતાની ગણી, ગેરકાયદેસર રીતે કબજો જમાવવા સબબ દ્વારકા પોલીસે રમેશભાઈ અગ્રવતની ફરિયાદ પરથી મહિલા સહિત વીસ આસામીઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -