જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને રાજકીય અગ્રણીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી તેમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવ્યા હતાં. જેથી આ મામલે સાઈબર ક્રાઈમમાં વિધીવત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને રાજકીય ક્ષેત્રે કાર્યરત જીતુભાઈ લાલના ફેસબુક એકાઉન્ટ પર અનેક મિત્રો છે. આ ફેસબુક એકાઉન્ટને થોડા દિવસ પહેલા કોઈ અજાણ્યા શખસે હેક કરી તેમાં પાકિસ્તાની ઝંડો દર્શાવ્યો હતો. આ અંગે તેમણે તપાસ કરતાં ખબર પડી કે, તેમનું એકાઉન્ટ હેક થઈ ગયું છે અને કોઈ અજાણ્યો શખસ તેમના એકાઉન્ટ પર પોસ્ટિંગ કરી રહ્યો છે. મિત્રો વર્તુળોમાંથી આ વાત જીતુ લાલને ખબર પડતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા. તેમના ફેસબુક એકાઉન્ટ પર અન્ય કોઈ વ્યક્તિ પાકિસ્તાનની તરફેણમાં લખાણો અને ઝંડો મુકતા હોવાનું તેમના ધ્યાનમાં આવતા તેમણે ગુરૂવારની રાત્રે સાયબર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જીતુ લાલની ફરિયાદ નોંધીને અજાણ્યા શખસ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. સાયબર પોલીસે હવે આ મામલે ફેસબુકનો સંપર્ક કરીને વિગત મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ફેસબુક એકાઉન્ટ થવાની આ ઘટનાથી રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર કે.એલ. ગાધે ચલાવી રહ્યા છે.