જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર ભાડે રાખેલી જગ્યા પચાવી પાડવા સંદર્ભે એક શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મુલામેડી વિસ્તારમાં રહેતાં સબીર હડિયાણાવાળા નામના પ્રૌઢ વેપારીની કાલાવડ નાકા બહાર આવેલી રેવન્યુ સર્વે નં.665/1 પૈકીના પ્લોટ નં.13-એ વાળુ મકાન યુસુફ વાહિદ સમા નામના શખ્સને વર્ષ 2018માં રૂા.4000 ભાડાપેટે આપ્યું હતું અને 11 માસનો કરાર પૂરો થઈ ગયા બાદ ભાડુ આપવાનું બંધ કરી અને મકાન ઉપર ગેરકાયદેસર કબ્જો જમાવી દીધો હતો. મકાન માલિકે અવાર-નવાર ભાડાની માગણી કરી હતી અને કરાર પણ રિન્યૂ કરાવવા જણાવ્યું હતું. તેમ છતાં ભાડુ નહીં આપી મકાન પચાવી પાડતા આખરે વેપારી પ્રૌઢે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પોલીસે ગુનો નોંધી એએસપી નીતેશ પાંડેયએ તપાસ હાથ ધરી હતી.
જામનગરમાં ભાડે મકાન પચાવી પાડનાર વિરૂધ્ધ ફરિયાદ
લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહી : ચાર હજારના ભાડાનું મકાન પચાવી પાડયું