જામનગરમાં હાલ રહેતા અને મૂળ ભાણવડ તાલુકાના ટીંબડી ગામના રહીશ દિપકભાઈ મેપાભાઈ પરમાર નામના 24 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન તેમના પત્ની સાથે ભાણવડ તાલુકાના મેવાસા ગામના રામદેવપીરના મંદિર ખાતે આવ્યા હતા. જ્યાં તેઓ ફોટા પાડતા હોવાથી મેવાસા ગામના રહીશ ભરતભાઈ જોગલ નામના યુવાન દ્વારા તેમને અટકાવી, ‘મારી મંજૂરી વગર કેમ ફોટા પાડો છો?’ તેમ કહી, ફરિયાદી તથા સાહેદની સહમતી લીધા વગર ફોટા પાડી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.
આટલું જ નહીં, ભરતભાઈ જોગલ દ્વારા ફરિયાદી દીપકભાઈ સાથે ગાળા – ગાળી કરી, તેમને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા ઉપરાંત તેમના પત્નીનો હાથ પકડી મંદિરની બહાર કાઢવાની ચેષ્ટા કરવામાં આવી હોવાનું પણ પોલીસમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવવા અંગે ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ 504, 509 તથા એટ્રોસિટી એક્ટ ઉપરાંત ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.