Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના કારખાનેદાર પાસે જંગી રકમ વસૂલી, પઠાણી ઉઘરાણી કરતા પિતા-પુત્ર વિરૂધ્ધ ફરિયાદ

ખંભાળિયાના કારખાનેદાર પાસે જંગી રકમ વસૂલી, પઠાણી ઉઘરાણી કરતા પિતા-પુત્ર વિરૂધ્ધ ફરિયાદ

2008 માં સાડા સાત લાખની રકમ વ્યાજે લીધી : 1.15 કરોડ ચૂકવ્યા પછી પણ ઉઘરાણી માટે ધમકી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેફામ બનેલા વ્યાજખોરો તથા તોતિંગ વ્યાજ વસૂલતા શખ્સો સામે પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જે સંદર્ભે ગઈકાલે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં એક લોક દરબાર પણ યોજવામાં આવ્યો હતો.

- Advertisement -

આ દરમિયાન અહીંના એક સતવારા કારખાનેદાર દ્વારા વર્ષ 2008માં લીધેલી રૂપિયા 7.50 લાખની રકમ સામે રૂા. 1.15 કરોડ વ્યાજ ચૂકવ્યા પછી પણ પૈસા આપનાર પિતા-પુત્ર દ્વારા તેમને ધમકી આપવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદ ખંભાળિયામાં સતવારા વાડ, શેરી નંબર 14 ખાતે રહેતા અને અત્રે જામનગર હાઈવે પર માતૃકૃપા કેલ્શિયમ ઇન્ડસ્ટ્રીઝના નામથી બોકસાઈટનું કીલન ધરાવતા અશોકભાઈ સવજીભાઈ કછટીયા (ઉ.વ. 59) એ અહીંના વિનાયક સોસાયટી ખાતે રહેતા હમીર જોધાભાઈ ચાવડા તથા અર્જુન હમીર ચાવડા સામે અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી અશોકભાઈ કછટિયાની બાજુમાં બોકસાઈટનું કિલન ધરાવતા હમીર જોધાભાઈ ચાવડા સાથે તેમને વ્યવહાર હોય, વર્ષ 2008માં તેમને પૈસાની જરૂરિયાત હોવાથી માસિક 6 ટકાના ઊંચા વ્યાજના દરે તેમણે તારીખ પહેલી માર્ચ 2008 ના રોજ રૂપિયા સાડા સાત લાખ હમીર ચાવડા પાસેથી ઉછીના લીધા હતા. જેના વ્યાજના પ્રતિમાસ રૂપિયા 45,000 આપવામાં આવતા હતા.

વર્ષ 2011 માં ફરિયાદી અશોકભાઈની આર્થિક પરિસ્થિતિ નબળી બનતા તેઓ નિયમિત વ્યાજ આપી શકતા નહોતા. જેથી આરોપી શખ્સો દ્વારા વ્યાજનું વ્યાજ વસૂલવામાં આવતું હતું. ફરિયાદી અશોકભાઈએ તેમને મળતા કામ તેમજ ઉઘરાણી વિગેરે મળી અલગ અલગ સમયે કુલ રૂા. 1,15,25,000 જેટલી રકમ વ્યાજ પેટે આપી હતી.

- Advertisement -

આરોપી હમીર ચાવડા તથા પુત્ર દ્વારા અવારનવાર પઠાણી ઉઘરાણી કરી ફરિયાદી અશોકભાઈ તથા તેમના પ્લાન્ટમાં મેતાજી તરીકે કામ કરતા સાહેદ સંજયભાઈ મેઘનાથી પાસે આવીને અવાર-નવાર મારી નાખવાની ધમકી આપી, મોતનો ભય બતાવી અને ઉઘરાણી કરવામાં આવતી હતી.

આ વચ્ચે વર્ષ 2013 ના સમય ગાળામાં આરોપી શખ્સોએ ફરિયાદીના બોક્સાઈટ પ્લાન્ટમાં બળજબરીથી ભાગીદારી મેળવી લીધી હતી. આટલું જ નહીં, આરોપી શખ્સોએ અશોકભાઈના યુનિયન બેન્કના એકાઉન્ટના રકમ ભર્યા વગરના 11 કોરા ચેક તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકના રૂપિયા પાંચ-પાંચ લાખની રકમ ભરેલા બે ચેક લઈ લીધા હતા. થોડા સમય પૂર્વે અશોકભાઈના પ્લાન્ટમાં રહેલો રૂપિયા સવા લાખનો ભંગાર પણ તેઓ લઈ ગયા હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

આમ, આ સમગ્ર પ્રકરણમાં આરોપી શખ્સોએ વધુ પૈસા પડાવી લેવાના ઇરાદે ચેક પોતાની પાસે રાખી, અને લાયસન્સ વગર નાણાનું ધિરાણ કરી, પઠાણી ઉઘરાણી કરવા તથા ફરિયાદી અશોકભાઈ તેમજ તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈપીસી કલમ 386, 504, 506 (2), 114 તથા ધી મની લેન્ડર્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular