જામનગર શહેરના કલ્યાણ ચોક વિસ્તારમાં રહેતાં આધેડને દંપતી એ આંતરીને પૈસાની માંગણી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી તેમજ આધેડની બહેને કરેલી ફરિયાદ પાછી ખેંચવા ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કલ્યાણચોક વિસ્તારમાં રહેતા હાકીમ અહેમદઅલી વાઘેલા નામના આધેડ ગત તા.19 ના રોજ સવારના સમયે કાલાવડ નાકા બહારના વિસ્તારમાંથી પસાર થતા હતાં તે દરમિયાન મલેકાબેન હુશેન મોદી અને તેણીના પતિ હુશેન મોદી નામના દંપતીએ હાકીમભાઈને ઉભા રાખી પૈસાની માગણી કરી હતી નહીં તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી તેમજ આધેડની બહેને કરેલી ફરિયાદ પાછી ખેંચી સમાધાન કરી લેવા ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ બનાવ અંગેની જાણ કરતા પીએસઆઇ જે.આર. કારોતરા તથા સ્ટાફે હાકીમભાઈના નિવેદનના આધારે દંપતી વિરુધ્ધ પૈસાની માગણી કરી ધમકી આપી માર માર્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં આધેડને માર મારી પૈસાની માંગણી સબબ દંપતી વિરૂધ્ધ ફરિયાદ
ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી : આધેડની બહેન દ્વારા કરાયેલી ફરિયાદ પાછી ખેંચવા માર માર્યો