ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે રહેતા એક શખ્સ દ્વારા જુદા જુદા ગામડાઓના ખેડૂતો પાસેથી વિવિધ પ્રકારની ખેત પેદાશો વેચાણથી લઇ અને તેઓને આપવાની થતી રકમ લઈ અને પોબારા ભણી ગયો હોવા અંગેનો બનાવ સામે આવ્યો છે. આ પ્રકરણમાં જુદા-જુદા એક ડઝન જેટલા આસામીઓ પાસેથી કુલ રૂપિયા 89 લાખ જેટલી રકમની ખેત પેદાશો લઈ અને તેની રકમ ખેડૂતોને ના આપી, છેતરપિંડી આચર્યાના બનાવ અંગે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વડાલિયા સિંહણ ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા લખુભાઈ વજશીભાઈ છૂછર નામના 52 વર્ષના આહિર ખેડૂત દ્વારા તેમના ખેતરમાં મગફળી સહિતની ખેતપેદાશનું વાવેતર કરવામાં આવતું હતું. લખુભાઈ તથા તેમના ભાઈ હાજાભાઈ કે જેઓ છેલ્લા આશરે આઠેક વર્ષથી નજીકના આહિર સિંહણ ગામે રહેતા મુરુભાઈ લખુભાઈ કરમુર કે જેઓ આ પંથકના ખેડૂતો પાસેથી મગફળી, ધાણા, જીરુ, ચણા વિગેરે ખેતપેદાશની ખરીદી કરી અને વેપાર કરતા હતા, તેમને પોતાની જણસ વેચતા હતા. મુરુભાઈ કરમુર તેઓ પાસેથી મગફળી વિગેરે ખરીદ કર્યા બાદ આ રકમ આઠેક દિવસમાં આપી જતા હતા.
આ વર્ષે લખુભાઈ તથા હાજાભાઈએ વાવેતર કરેલી મગફળી મુરુભાઈ કરમુરને આપી હતી. ગત તારીખ 17 થી 19 નવેમ્બર દરમિયાન બંને ભાઈઓ પાસેથી અનુક્રમે 440 મણ અને 581 મણ મગફળીનો જથ્થો મુરુભાઈ કરમુર લઈ ગયા હતા. તેના બદલામાં તેણે કાચી ચિઠ્ઠી લખી આપી હતી. જેમાં લખુભાઈને રૂ. 5.72 લાખ તથા હાજાભાઈને રૂપિયા 7.26 લાખની રકમ આપવાની થતી હતી.
આ રકમ તેઓ ચૂંટણી હોવાથી રોકડમાં આપી શકાય તેમ નથી તેથી ઓનલાઇન ટ્રાન્સફર કરી આપશે. તેમ કહેતા લખુભાઈએ તેમના મોબાઈલ ફોનમાંથી વોટ્સએપ મારફતે એકાઉન્ટ વિગેરેની વિગત મોકલી આપી હતી. બાદમાં ગત તારીખ 26 નવેમ્બર સુધી વાયદા મુજબ રકમ ન મળતા લખુભાઈએ મુરુભાઈને ફોન કર્યો હતો પરંતુ તેમનો ફોન બંધ આવ્યો હતો. તેમના ઘરે જઈને તપાસ કરતા તેઓ ઘરે હાજર મળ્યા ન હતા.
આ અંગે લખુભાઈ છુછરએ વધુ તપાસ કરતા ખેતપેદાશ ખરીદનાર મુરુભાઈ લખુભાઈ કરમુર આસપાસના ગ્રામ્ય વિસ્તારોના અનેક ખેડૂતોની ખેત પેદાશ આ રીતના લઈ અને રકમ ન આપી ગાયબ થઈ ગયા હતા.
આ સમગ્ર બનાવ અંગે લખુભાઈ વજશીભાઈ દ્વારા અંતે અહીંના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં લખુભાઈ, તેમના ભાઈ હાજાભાઈ ઉપરાંત અન્ય ખેડૂત માલદેભાઈ કાનાભાઈ ચાવડા, ભીમશીભાઈ પરબતભાઈ ચાવડા, ગોવિંદભાઈ પરબતભાઈ, નાથાભાઈ રામશીભાઈ ચાવડા, પીઠાભાઈ કરસનભાઈ, ભીમશીભાઈ જીવાભાઈ, પીઠાભાઈ કેશુભાઈ, વેજાણંદભાઈ રાણાભાઈ, ઉમેશભાઈ દેવશીભાઈ, દેવાતભાઈ દેવશીભાઈ, દેવાણંદભાઈ નથુભાઈ, અમિત દામજીભાઈ, નારણ પુંજાભાઈ, દિનેશ વિક્રમભાઈ, દેશુર લાખાભાઈ, સંજયભાઈ વેજાણંદભાઈ આંબલીયા, પરબતભાઈ લખમણભાઈ, રામભાઈ સોમાતભાઈ, નાથાભાઈ ખીમાભાઈ, રામભાઈ મુરુભાઈ અને દલવીર લાખાભાઈ નામના આશરે બે ડઝન જેટલા ખેડૂતોના નાણા પણ ચાઉં કરીને ઉપરોક્ત શખ્સ પોબારા ભણી ગયો હોવાનું ખુલવા પામ્યો છે.
આમ, રૂપિયા 88,95,735 ની તોતિંગ રકમની છેતરપિંડી થવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં મુરુભાઈ લખુભાઈ કરમુર સામે આઈ.પી.સી. કલમ 406 તથા 420 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર બનાવની વધુ તપાસ અહીંના પી.એસ.આઈ. ડી.એમ. ઝાલા ચલાવી રહ્યા છે.
આ અંગે ભોગ બનાર ખેડૂત પાસેથી જાણવા મળતી વિગત મુજબ ઉપરોક્ત શખ્સ દ્વારા વધુ કેટલાક ખેડૂતોને પણ તેમને આપવાની થતી રકમ પણ આ રીતે આપી ન હોવાની સંભાવના વચ્ચે છેતરપિંડીનો આ આંકડો વધુ હોવાનું પણ કહેવાય છે.