જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડીસીસી કંપની દ્વારા યોજવામાં આવતા મેડીકલ કેમ્પમાં સરકારી નાણાંની ઉચાપાત કરાતા હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયત સદસ્યએ કલેકટરને લેખિત જાણ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડીસીસી કંપની દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન કરવમાં આવે છે અને આ કેમ્પમાંથી સરકારી નાણાંની ઉચાપાત મોટા પ્રમાણમાં કરાતી હોવાની બાબતો તાલુકા પંચાયત સદસ્યો વશરામભાઇ કારેણાના ધ્યાને આવી હતી. તેમણે આ ઉચાપાત પ્રકરણમાં જિલ્લા કલેકટર બી.એ. શાહને લેખિત રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે આ મેડીકલ કેમ્પમાં કોઇને આમંત્રણ આપવામાં આવતું નથી. જેના કારણે જરૂરિયાતમંદ લોકો મેડીકલ કેમ્પનો લાભ લઇ શકતા નથી. તેમજ મરજી મુજબ ગમે તે ગામમાં આવીને સીધા કેમ્પ લગાડી ગામમાં રહેતા નિવૃત્ત વ્યક્તિઓને ફોટા પડાવી કેમ્પ પૂર્ણ કરી રવાના થઈ જાય છે તથા આ કેમ્પનો લાભ કોઇપણ જાહેર જનતાને થતો નથી અને કેમ્પના સમય પહેલાં જે-તે ગામમાં કે આજુબાજુના ગામમાં પ્રચાર કરવામાં આવતો નથી. ઉપરાંતમાં પૂરતી સગવડ કે વ્યવસ્થા પણ આપતા નથી. માત્ર ફોટા પડાવીને કેમ્પના બિલો ઉઘરાવી રહ્યા છે.
રજૂઆતમાં વધુ એવું પણ જણાવાયું છે કે, કેમ્પ દ્વારા ગામડે ગામડે સિલાઈ કામ તથા કોમ્પ્યુટર નોલેજ વધારવાનું કામ તેઓને કરવાનું રહે છે પરંતુ આ બાબતે નહીંવત કામગીરી કરવામાં આવી રહી છે. જેથી આપને ડીસીસી કંપની દ્વારા યોજાતા મેડીકલ કેમ્પ થકી કરાતી નાણાંની ઉચાપાતની તટસ્થ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા માંગણી કરી હતી.