જામનગર શહેરમાંથી ઉત્તરપ્રદેશ ફરવા ગયેલા બે યુવાનોના અપહરણ થયા બાદ સ્થાનિક પોલીસે સતર્કતા દાખવી તાત્કાલિક ગુપ્ત ઓપરેશન અંતર્ગત યુપીની સ્થાનિક પોલીસની મદદથી બંને યુવાનોને છોડાવી અપહરણકારોને ઝડપી લઇ જામનગર આવવા રવાના થયા હતાં.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં રહેતો યુવાન તેના મિત્ર સાથે પાંચ દિવસ પૂર્વે ઉત્તરપ્રદેશ ફરવા ગયો હતો અને ત્યાં યુવાનનો સંપર્ક નહીં થતાં તેની પત્નિને ફોન દ્વારા જાણ કરવામાં આવી કે, બંને યુવાનોનું અપહરણ થયું છે અને સલામતિ માટે રૂપિયાની માગણી કરવામાં આવી હતી. દરમિયાન યુવાનની પત્નિએ રવિવારે જામનગર પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી જિલ્લા પોલીસ વડા દિપન ભદ્રનની સૂચનાથી એએસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે.એલ. ગાધે, કે.જે. ભોયે તથા પીએસઆઇ વાય.બી. રાણા, હેકો મૂકેશસિંહ રાણા, પોકો એસ.એમ. જાડેજા, કુલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે કાનપુર પહોંચીને સ્થાનિક પોલીસને સાથે રાખી ગુપ્ત ઓપરેશન હાથ ધરી માત્ર 24 કલાકમાં જ અપહરણ થયેલા બંને યુવાનોને હેમખેમ છોડાવી લઇ અપહરણ કરનાર આરોપીઓને દબોચી લીધા હતાં.
ત્યારબાદ જામનગર પોલીસ અપહરણ થયેલા બંને યુવાનોને છોડાવી જામનગર લઇ આવવા રવાના થયા હતાં અને આ અંગેની જાણ યુવાનના પરિવારમાં થતાં ખુશીની લ્હેર દોડી ગઇ હતી. પોલીસ બંને યુવાનોને લઇ સાંજ સુધીમાં જામનગર પહોંચી જશે અને તેમના પરિવારજનોને સોંપી આપશે. પોલીસ દ્વારા કરાયેલી સરાહનીય કામગીરીને અપહરણ થયેલા યુવાનોના પરિવારજનોએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.