જામનગર નિવાસી ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિના મસાલિયા રાવલ સ્વ. જગજીવન અમરજી રાવલ પરિવારના ગં.સ્વ.મિનાક્ષીબેન દિલીપભાઇ રાવલ દ્વારા ત્રણ દિવસીય મહાવિષ્ણુ યજ્ઞનું આયોજન થયું છે.
શુક્રવારે પંચેશ્ર્વર ટાવર નજીક આવેલ શ્રીમાળી જ્ઞાતિની વાડી ખાતે મહાવિષ્ણુ યજ્ઞનો પ્રારંભ થયો હતો. યજ્ઞના પ્રારંભ પહેલાં યજ્ઞની તૈયારી તેમજ દેહશુધ્ધિ સહિતની ધાર્મિકવિધિ કરવામાં આવી હતી. આ યજ્ઞની તમામવિધિ શાસ્ત્રી નિલેષભાઇ પંડ્યાના માર્ગદર્શન હેઠળ થઇ રહી છે અને તેમની ટીમના 40 ભૂદેવો આ યજ્ઞમાં જોડાયા છે.
શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે મહાન પૂણ્યદાતા એવા મહાવિષ્ણુ યજ્ઞની પ્રાગટ્યની પણ વિશેષ પધ્ધતિ છે. પજ્ઞ પ્રજ્જવલિત કરવા માટે માચીસ (બાકસ)ની દિવાસળીનો ઉપયોગ અન્ય હવન-યજ્ઞની માફક કરી શકાતો નથી. રૂ, છાણાનો ભુકો એક મોટા વાણામાં રાખવામાં આવે છે અને સૂર્યપ્રકાશને બિલોરી કાચમાંથી પસાર કરાવીને તેના દ્વારા અગ્નિ ઉત્પન્ન કરવામાં આવે છે. જે પ્રસંગ નરી આંખે નિહાળવો પણ એક લ્હાવો છે. આ યજ્ઞમાં કુલ 10 હજાર આહુતિ આપવામાં આવતી હોય છે. રવિવારે મહાયજ્ઞની પૂર્ણાહુતિ થશે.