આજે સવારે 1પમી ગુજરાત વિધાનસભાના પહેલા સત્રનો પ્રારંભ થયો હતો. આ સત્રમાં સભાના પ્રારંભે અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષ તરીકે વરણી માટે શંકરભાઇ ચૌધરીના નામના રજૂ કરેલા પ્રસ્તાવને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે સમર્થન આપ્યું હતું. સમગ્ર વિધાનગૃહે આ પ્રસ્તાવને ટેકો આપતાં 1પમી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકરભાઇ ચૌધરીની વરણી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વરાયેલા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીને અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળવા માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લોકશાહીના આ મંદિરમાં ઉજ્જવળ પરંપરાઓને જાળવી રાખવા તેમજ પૂર્વ અધ્યક્ષઓએ કરેલા નિર્ણયોને જીવંત રાખી સભાગૃહના સૌ સભ્યોના સહિયારા પ્રયાસમાં નવનિયુકત અધ્યક્ષનું માર્ગદર્શન સતત મળતું રહેશે તેવી અપેક્ષા દર્શાવી હતી.
ગૃહના નેતા અને મુખ્યમંત્રીએ નવનિયુકત અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ બનાસડેરી સહિત બહુવિધ સહકારી ક્ષેત્ર તેમજ ગરીબ, વંચિત, લોકોના આવાસ, આરોગ્ય, શિક્ષણ, આજીવીકા માટે આપેલા મહત્વપૂર્ણ પ્રદાનની પ્રસંશા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શંકરભાઇ ચૌધરીની અધ્યક્ષ તરીકેની કામગીરીથી 1પમી ગુજરાત વિધાનસભાનો પાંચ વર્ષનો કાર્યકાળ સંસદીય પ્રણાલિકાઓના સંવર્ધન માટેનો સુવર્ણકાળ બની રહેશે, તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ આ તકે 15મી વિધાનસભાના સૌ નવનિર્વાચીત સભ્યોને પણ આવકારીને અભિનંદન પાઠવ્યા હતા.