Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરકલેકટર દ્વારા રસ્તાની શાળા ભરી બાળકો સાથે સંવાદ

કલેકટર દ્વારા રસ્તાની શાળા ભરી બાળકો સાથે સંવાદ

ધ્રોલ તાલુકાના પ્રવાસ દરમિયાન બાળકો સાથે મુલાકાત : બાળકોને શિક્ષણ અને મહેનતનું મહત્વ સમજાવ્યું

જિલ્લાના વિકાસ કાર્યો અને વહીવટી કામગીરીના નિરીક્ષણ અર્થે ધ્રોલ તાલુકાના પ્રવાસે ગયેલા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરને માર્ગમાં શાળાએ જતા વિદ્યાર્થીઓનો સમૂહ મળી જતા તેઓએ રસ્તામાં ગાડી થોભાવી વિદ્યાર્થીઓ સાથે બાળ સહજ સંવાદ સાધ્યો હતો. કલેકટરએ બાળકો સાથે વાતચીત કરી બાળ શિક્ષણ અને પોષણ તથા બાળકોની જીવનશૈલી અંગે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી.

- Advertisement -

બાળકોને જોઈ કલેક્ટર કેતન ઠક્કરે પોતાનું વાહન રોકાવીને બાળકો સાથે ખુલ્લા મને સંવાદ શરૂ કર્યો હતો. તેમણે જિલ્લાના વહીવટી વડા તરીકે નહીં પણ એક વાલીની જેમ બાળકોની જિંદગીના મહત્ત્વના પાસાઓ વિશે પૂછપરછ કરી હતી.

કલેક્ટરએ બાળકોને શાળામાં કેવું ભણાવવામાં આવે છે, શિક્ષકો કેવો સહકાર આપે છે, અને તેમનો મનપસંદ વિષય કયો છે, તે અંગે ઉંડાણપૂર્વક જાણકારી મેળવી હતી.તેમણે બાળકોને સવાલ-જવાબ કરીને શાળામાં થતાં અભ્યાસકાર્ય અને શિક્ષકો દ્વારા લેવાતી અભ્યાસેતર પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી મેળવી જેથી શિક્ષણની ગુણવત્તાનું નિરીક્ષણ થઈ શકે.

- Advertisement -

તેમણે ભારત સરકારની મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ શાળામાં અપાતા ભોજનની ગુણવત્તા અને સ્વાદ અંગે સીધી માહિતી મેળવી બાળકોને ભોજન પૂરતું મળે છે કે કેમ અને મેનૂ મુજબ ભોજન અપાય છે કે કેમ તે વિશે પૂછપરછ કરીને આ યોજનાના અમલની જુદી જ રીતે સમીક્ષા કરી હતી.

આ મુલાકાત દરમિયાન બાળકોએ પણ ખચકાટ વગર પોતાના અનુભવો કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા. કલેક્ટરએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમને નિયમિત શાળાએ જવા તથા પોતાના સપના પૂરા કરવા માટે મહેનત કરવા પ્રેરણા આપી હતી.

- Advertisement -

કલેક્ટર કેતન ઠક્કરની આ પહેલ સૂચવે છે કે જિલ્લા વહીવટી તંત્ર માત્ર કાગળ પરની સમીક્ષામાં જ નહીં, પરંતુ જમીની સ્તરે ઉતરીને બાળ કલ્યાણ અને શિક્ષણની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular