ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે હજુ પણ ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. આજે કચ્છના નલિયામાં તાપમાનો પારો ગગડી 8.8 ડીગ્રીએ પહોંચી જતાં રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર નોંધાયું હતું. આવનારા દિવસોમાં હજુ પણ રાજ્યભરમાં તાપમાનમાં 2-3થી ત્રણ ડીગ્રી ઘટાડો થશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. તો કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. જામનગરની વાત કરવામાં આવે તો આજે લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી નોંધાતા શહેરીજનોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. બે દિવસમાં જામનગરમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. અમદાવાદની વાત કરવામાં આવે તો ત્યાં હજુ પણ બેવડી ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. બપોરના સમયે ગરમી અને સવાર સાંજ ઠંડીનો એહસાસ થઇ રહ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં કોલ્ડવેવ શરૂ થશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે, જેથી આગામી બેથી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે.