સમગ્ર રાજયની સાથે જામનગર શહેરમાં પણ આજે સવારે પ્રથમ વખત સિંગલ ડિઝિટમાં નોંધાયેલા મોસમના સૌથી નીચા 7.5 ડિગ્રી તાપમાને શહેરીજનોને ઠંડીથી થથરાવી દીધા હતા. હાડ કંપકપાવીતી ઠંડીને કારણે શહેરનું જનજીવન ઠીંગરાઇ ગયું હતું. માત્ર 24 કલાકમાં ન્યુનત્તમ તાપમાનમાં 4.5 ડિગ્રીનો કડાકો બોલી જતાં જનજીવન સાથે પશુ-પક્ષીઓ પણ ઠુંઠવાઇ ગયા હતા.
સમગ્ર રાજયમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કોલ્ડવેવની અસર વર્તાઇ રહી છે. ત્યારે જામનગર શહેરમાં પણ આજે વહેલી સવારે મોસમનું સૌથી નીચું 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગઇકાલ સાંજથી જ શહેરમાં બેઠા ઠારની અસર વર્તાવા લાગી હતી. રાત પડતાં સુધીમાં શહેરના માર્ગો પર રવિવાર હોવા છતાં ઠારને કારણે સન્નાટો છવાઇ ગયો હતો. જેમ-જેમ રાત ઢળતી ગઇ તેમ-તેમ ઠંડીની તીવ્રતામાં સતત વધારો થવા લાગ્યો હતો. પરિણામે વહેલી સવારે મોસમની કડકડતી ઠંડી નોંધાઇ ગઇ હતી. હજુ 24 કલાક પહેલાં જ શહેરમાં ન્યુનત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું જેમાં 4.5 ડિગ્રીનો કડાકો બોલીને સીધું 7.5 ડિગ્રી સરકી ગયું હતું. હાડ થીજાવતી ઠંડીને સૌથી વધુ અસર પશુ-પક્ષીઓ ઉપર પડી હતી. જયારે બાળકો પર પણ ઠંડીની અસર જોવા મળી હતી. આજે સવારે ઠંડીને કારણે શાળાઓમાં પણ પાંખી હાજરી જોવા મળી હતી. જયારે લોકો સવાર પડતાં જ સૂર્યનો તડકો લેતાં નજરે પડતા હતા. હવામાન વિભાગ દ્વારા હજુ પણ બે-ત્રણ દિવસ કોલ્ડવેવ રહેવાની આગાહી આપવામાં આવી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં છેલ્લા બે દિવસથી કોલ્ડવેવનાં પગલે રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે. ગઈકાલે કચ્છનાં નલિયામાં દશ વર્ષ બાદ 1.4 ડિગ્રી સુધીનું વિક્રમજનક લઘુત્તમ તાપમાન નોંધાતા નલિયા રીતસરનું બર્ફાગાર બની ગયું હતું. ઉપરાંત ગઈકાલે રાજકોટ શહેરમાં પણ ત્રણ વર્ષ બાદ સિંગલ ડિઝીટમાં 8.4 ડિગ્રી તાપમાન થઈ જતા નગરજનો થથરી ગયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે ગઈકાલથી આવતા મંગળવાર સુધી કોલ્ડવેવની આગાહી કરી છે. આથી હજુ આવતીકાલ સુધી રાજયમાં કડકડતી ઠંડીનું જોર રહેનાર છે.
દરમ્યાન આજરોજ પણ રાજકોટ- નલિયા સહિત સર્વત્ર કાતિલ ઠંડી યથાવત રહેતા જનજીવન ઠુંઠવાયું હતું. આજે રાજયમાં 9 શહેરોમાં સિંગલ ડિઝીટમાં તાપમાન નોંધાયું હતું. જયારે સોરઠમાં આવેલ ગિરનાર પર્વત પણ હિમાલય બની ગયો હતો અને 1.1 ડિગ્રી લઘુતમ તાપમાન થઈ ગયું હતું. દરમ્યાન આજરોજ પણ સવારે રાજકોટ શહેરમાં વધુ એક ડિગ્રી તાપમાન ઘટતા ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડી છેલ્લા ત્રણ વર્ષ બાદ નોંધાઈ હતી. રાજકોટમાં ગઈકાલે 8.4 ડિગ્રી બાદ આજરોજ સવારે 7.3 ડિગ્રી લઘુતમ તાપમાન થઈ જતા નગરજનો તિવ્ર ઠારમાં ઠુંઠવાઈ ગયા હતા. રાજકોટમાં સતત બે દિવસથી પડી રહેલી તિવ્ર ઠંડીનાં પગલે જનજીવન પણ પ્રભાવિત થયુ છે.
સવાર ઉપરાંત રાત્રીનાં પણ ઠેર-ઠેર તાપણા જોવા મળી રહ્યા છે. અને મોડી સવાર સુધી રાજ માર્ગો ઉપર સાવ ઓછો ટ્રાફિક નજરે પડે છે. દરમ્યાન આજે પણ કચ્છ તિવ્ર ઠંડીની લપેટમાં રહ્યું હતું. નલિયામાં ગઈકાલે રેકોર્ડ બ્રેક 1.4 ડિગ્રી બાદ આજે પણ સવારનાં ભાગે નલિયામાં લઘુતમ તાપમાન 2 ડિગ્રી નોંધાતા નલિયામાં બર્ફાગાર જેવી સ્થિતિ રહેવા પામી હતી. આ ઉપરાંત ભુજમાં પણ 7.6 ડિગ્રી સાથે હાડ ગાળતી ઠંડી અનુભવાઈ હતી. કંડલામાં પણ 9.1 ડિગ્રી સાથે ઠંડીનું આક્રમણ ચાલુ રહ્યું હતું. આ ઉપરાંત આજરોજ અમદાવાદ-ગાંધીનગર અને ડિસા પણ ડરી ગયા હતા. આજે સવારે અમદાવાદમાં 7.6, ડિસામાં 7, અને ગાંધીનગરમાં 5.3 ડિગ્રી, લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.