મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્રારા આજે રોજ વેક્સીનેશનને લઇને મહત્વની જાહેરાત કરવામાં આવી છે.મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા 45 વર્ષથી વધુની વયના અને કોમોર્બિડ-અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોરોના રસીકરણ આધારકાર્ડના પુરાવા વગર પણ કરવામાં આવશે.
ગુજરાતમાં હાલ 60 વર્ષથી ઉપરના અને 45થી 59 વર્ષની વય ધરાવતાં ગંભીર બીમારીઓવાળા લોકોનું વેક્સીનેશન ચાલી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 39લાખ કરતા પણ વધારે લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે. પહેલા ડોઝમાં 33 લાખ જ્યારે બીજા ડોઝમાં 6 લાખ લોકોનું રસીકરણ કરાયું છે. ગુજરાતમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને કોરોનાની વેક્સીનની આડઅસર થઇ નથી. સરકાર દ્રારા પણ લોકોને વેક્સીન લેવાની સતત અપીલ કરવામાં આવી રહી છે. રાજ્યના સરકારીકેન્દ્રોમાં વિનામૂલ્યે કોરોનાની રસી અપાઈ રહી છે.
ગુજરાતમાં એક તરફ વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે બીજી બાજુ છેલ્લા દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં 20,000થી વધારે કેસ વધી ગયા છે. છેલ્લા એક મહિનામાં દૈનિક કેસમાં 5 ગણો જ્યારે એક્ટિવ કેસમાં ચાર ગણો વધારો થયો છે.