ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી જ મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જામનગર, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણના પરિણામે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાં વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.
રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ઠંડા પવન શરૂ થયા છે, જેને કારણે જામનગર સહીત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રી જેટલો ઘટાડો થતા લોકોને ગરમી માંથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 20 અને 21 એપ્રિલ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે બે દિવસ દરમિયાન ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, વડોદરામાં થન્ડર સ્ટોર્મની આગાહી વ્યકત કરી છે.
સાબરકાંઠાના કલેક્ટરે ખેડૂતોને સાવચેત કર્યા છે અને ખુલ્લી જગ્યામાં મુકેલા પાકને સલામત સ્થળે ખસેડવા પણ સુચના આપી છે. ઉનાળામાં માવઠાની આગાહી વચ્ચે ખેડૂતો ઉનાળુ પાકને નુકશાન થવાની ભીંતી છે. એકાએક વાતાવરણમાં આવેલાં પલટાંને પગલે ગરમીનો પારો પળ ગગડીને બે ડિગ્રી નીચો ગયો છે.