સ્વચ્છતા એ જ સેવા અભિયાન અંતર્ગત જામનગર જિલ્લાના ધ્રોલ તથા કાલાવડ નગરપાલિકા ખાતે વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં શહેરોના મુખ્ય વિસ્તારોમાં સાફ સફાઈ કરી કચરો એકત્ર કરાયો હતો અને તેનો નિકાલ કરાયો હતો. અને આ વિસ્તારોને સ્વચ્છ તથા સુઘડ બનાવાયા હતા.
સફાઈ અભિયાન અંતર્ગત ધ્રોલ નગરપાલિકાના રામવાડી વિસ્તારના અલગ-અલગ વોર્ડના વિવિધ વિસ્તારમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ધ્રોલ નગરપાલિકા વિસ્તારનાં સી.એસ.સી. સેન્ટર, ગાંધીચોક, ત્રિકોણબાગ, રાજકોટ રોડ વિગેરે જગ્યાઓ પર સફાઈની કામગીરી કરવામાં આવી.ઉપરાંત કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં પણ સ્વચ્છતા હી સેવા અંતર્ગત શહેરના અલગ અલગ વોર્ડના વિવિધ વિસ્તારોમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાલાવડ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 1 થી 7 માં વિવિધ જગ્યાઓ જેવી કે શીતલા કોલોની મંદિર પાસે, મેઇન બજાર, સિનેમા રોડ, ખોડિયાર ગરબી ચોક વગેરે જગ્યાઓ પર સફાઈની કામગીરી કરવામાં આવી. આ સમગ્ર આયોજનમાં સફાઈ કામદારો, નગર સેવા સદનોના મુખ્ય અધિકારીઓ, સંબંધિત શાખાના વડાઓ, કર્મચારીઓ તેમજ નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ કાલાવડ તથા ધ્રોલ શહેરને સ્વચ્છ બનાવવા પોતાનુ બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું.આ સ્વચ્છતા અભિયાનમાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, શાળાઓ, ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, જાહેર માર્ગો વગેરે સ્થળોએ સફાઈ કરી નાગરિકો તથા સ્વયંસેવકોએ સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપ્યો હતો.