જામાનગર શહેરમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલ બળિયા હનુમાનજી મંદિરે હાલારના સાંસદ પૂનમબેન માડમ સહિતના અગ્રણીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તેમજ મંદિરમાં રામધૂન યોજી હતી.
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરને પ્રાણ-પ્રતિષ્ઠાના શુભ અવસર પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશના ધાર્મિક સ્થળોમાં સફાઈ અભિયાન હાથ ધરવા માટે આહવાન કર્યુ છે જે અંતર્ગત તા.14 થી તા.22 જાન્યુઆરી સુધી ધાર્મિક સ્થળોએ સફાઈ અભિયાનના આયોજનો થઈ રહ્યા છે. જેના ભાગરૂપે જામનગર શહેરમાં પણ મંદિરોમા સફાઈ અભિયાન ચલાવાઈ રહ્યું છે. હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગર શહેરમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલ બળિયા હનુમાનજી મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સાંસદ પૂનમબેન માડમની સાથે ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, શહેર ભાજપા મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, પૂર્વ મેયર અને કોર્પોરેટર બીનાબેન કોઠારી, કોર્પોરેટરો ડિમ્પલબેન રાવલ, જયેન્દ્રસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ તેમજ કાર્યકરો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતાં.
આ તકે સાંસદ સહિતના અગ્રણીઓએ મંદિરમાં સફાઈ અભિયાન બાદ રામધૂન પણ બોલાવી હતી. અને વડાપ્રધાનના આહવાન અંતર્ગત મંદિરોમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતાં.