ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારોના સફાઈ કામદારોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન રિવાઈઝ્ડ કરવા, સફાઈ કામદારોના મહેકમમાં વર્ષોથી ખાલી પડેલી જગ્યા ભરવી, નગરપાલિકાના કર્મચારીઓના પેન્શન ફંડના રૂપિયા સાડા સાત કરોડ જેટલી માતબર રકમ અન્ય જગ્યાએ ખર્ચ કરવામાં આવી છે, તે રકમ પરત કર્મચારીઓના પેન્શન ફંડમાં જમા કરાવવી, નગરપાલિકાના તમામ કાયમી, રોજમદાર કર્મચારીઓના પગારોમાંથી છેલ્લા અગિયાર માસથી જી.પી.એફ., ઈ.પી.એફ., એલ.આઈ.સી. વીમા પોલિસીની લાખો રૂપિયાની રકમ કપાત કરીને જમા કરાવવા આવી નથી તે કર્મચારીઓના ફંડની રકમ જમા કરાવવી, શહેરના વસ્તી અને વિસ્તારના ધોરણે સફાઈ કામદારોની ભરતી કરવી વિગેરે જેવા અનેક પડતર પ્રશ્ર્નો અને માંગણીઓ લાંબા સમય પડતર છે.
આ પ્રશ્ર્નોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે મહામંડળ દ્વારા અવાર નવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં ન આવતા મહામંડળ દ્વારા ગત તા. 7 ઓક્ટોબર ા રોજ સફાઇ કામદારોના ઉપરોક્ત પ્રશ્ર્નોનું જો 14 દિવસમાં નિરાકરણ લાવવામાં નહી આવે તો તા. 21 ઓક્ટોબરથી શહેરની સફાઈ કામગીરી બંધ કરી, હડતાળ ઉપર જવા અંગે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જેના પગલે છેલ્લા બે દિવસથી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફીસર, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને સદસ્યો દ્વારા કામદારોના પ્રતિનિધિઓ સાથે સમાધાન પ્રયાસો માટે સતત ચર્ચાનો દૌર ચાલુ રહ્યો હતો. પરંતુ કામદારોના કેટલાક નીતી વિષયક પ્રશ્ર્નો અને માંગણીઓના મુદ્દે સહમતી ન સધાતા સમાધાન મંત્રણા નિષ્ફળ રહી હતી. આથી આજરોજ સોમવારથી નગરપાલિકાના તમામ સફાઈ કામદારો શહેરની સફાઈ કામગીરી બંધ કરીને અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જઈ રહ્યા હોવાનું ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ મહામંત્રી રમેશ વાઘેલાની એક યાદીમાં જણાવાયું છે.
જો કે નગરપાલિકા દ્વારા સફાઈ કર્મીઓની જુદી-જુદી 11 પડતર માંગણીઓના મુદ્દે આગામી દિવસોમાં નિરાકરણ આવવા સહિતની બાબતે હૈયાધારણા આપી, શનિવારે સાંજે લેખિત પત્ર પાઠવવામાં આવ્યો છે. પરંતુ સફાઈ કામદારોને નક્કર કામગીરી અને સંતોષકારક પગલાં લેવામાં ન આવ્યા હોવાનું જણાવી, તેઓનું હડતાલ આંદોલન આજે સોમવારથી હાથ ધરવામાં આવ્યું છે.