ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જામનગર શહેર જિલ્લાની પાંચેય બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે. ત્યારે જામનગર ઉત્તર બેઠક ઉપર રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા તથા જામનગર દક્ષિણ બેઠક ઉપર દિવ્યેશ અકબરીના નામની જાહેરાત થતાં જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના હોદ્ેદારો, કોર્પોરેટરો, કાર્યકરોએ બન્ને ઉમેદવારોને કુમકુમ તિલક કરી ફૂલહાર કરી મો મીઠા કરાવી ઉમેદવારોના નામની જાહેરાતને વધાવી હતી. તેમજ જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જામનગર ગ્રામ્ય બેઠકના ઉમેદવાર રાઘવજીભાઇ પટેલને જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકરોએ ફૂલહાર કરી શુભેચ્છા પાઠવી હતી.
જામનગર શહેર તથા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોના નામની જાહેરાતને લઇ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણિયા, મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા સહિતના હોદ્ેદારો તેમજ કોર્પોરેટરો તથા કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જામનગર દક્ષિણ વિધાનસભા બેઠકના ઉમેદવાર દિવ્યેશ અકબરીએ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા હતાં.