જામનગર શહેરમાં દરરોજ જુદા જુદા રાજમાર્ગો પર ટ્રાફિકજામની સમસ્યા થતી રહે છે. તેમાં પણ ખાસ કરીને બપોરના સમયે અને સાંજના સમયે તો ટ્રાફિકજામથી શહેરીજનો કંટાળી ગયા છે. તેમ છતાં કાયમી રહેતી ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે પોલીસ અને તંત્ર ગંભીરતા દાખવતું નથી. ગઇકાલે બપોરના સમયે લાલ બંગલાથી સાત રસ્તા જવાના માર્ગ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો.
ધાર્મિક નગરી તરીકે ઓળખાતા જામનગર શહેરની મહાનગરપાલિકા દ્વારા હદ વધારવામાં આવી છે. નગરસીમના અનેક વિસ્તારોને જામનગરમાં જોડી દેવામાં આવ્યા છે. ત્યારે શહેરની વસ્તીના પ્રમાણે મુખ્ય રાજમાર્ગો પર પસાર થતાં વાહનોનું સુવ્યવસ્થિત અને આયોજનપૂર્વક વાહનવ્યવહાર ચાલુ રહે અને ટ્રાફિકજામ ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા આયોજન અને તે રીતે ટ્રાફિકના જવાનોની ફરજ ગોઠવવવામાં આવવી જોઇએ. પરંતુ જામનગર શહેરની પરિસ્થિતિ કઇંક અલગ છે. શહેરના મુખ્ય રાજમાર્ગો પર લગભગ દરરોજ ટ્રાફિકજામ તો રહે છે અને પ્રજા આ ટ્રાફિકજામમાં પરેશાન થઇ પીડાતી રહે છે. પરંતુ તંત્ર અને પોલીસ પ્રજાની પીડાને કયારે ગંભીરતાથી લેશે તે કહી શકાય તેમ નથી…!
View this post on Instagram
શહેરના મુખ્ય રાજમાર્ગો પૈકીના જી. જી. હોસ્પિટલ, રણજિત રોડ, લાલ બંગલા, સાત રસ્તા સર્કલ, ગુરૂદ્વારા ચોકડી, અંબર સિનેમા ચોકડી સહિતના મુખ્ય કહી શકાય તેવા પોઇન્ટ પર ગમે ત્યારે ટ્રાફિકજામ થઇ જતો હોય છે. આ ટ્રાફિકજામ થવા પાછળ મહદ્અંશે ટ્રાફિક પોલીસની કામગીરી પણ જવાબદાર છે અને મોટાભાગના ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનો વાહનો પર બેસીને મોબાઇલમાં સમય પસાર કરતાં હોય છે. આ જવાનોને ટ્રાફિકજામમાં ફસાયેલી પ્રજાની પીડા સાથે કોઇ લેવા દેવા નથી. તેઓ તો બસ તેમના મોબાઇલમાં જ મસ્ત રહે છે. પોઇન્ટ પર ટ્રાફિકજામ થયો હોવા છતાં આ એકપણ કર્મચારી મોબાઇલને સાઇડમાં મૂકીને તેની ફરજ બજાવવા માટે પોઇન્ટ પર જવાની તસ્દી પણ લેતાં નથી.


