જામનગર શહેરમાં છાશવારે ચાની હોટલ હોય કે પાણીપુરીની લારી કે પછી પાનનો ગલ્લો. ચીજવસ્તુઓ મફતમાં ખાઈને પૈસા ન દેવાના બહાને લુખ્ખાગીરી કરતા શખ્સોની રંજાડ થોડા સમયથી વધી ગઈ છે. હાલમાં ચા ની હોટલે પૈસા આપવાની બાબતે સંચાલકો ઉપર હુમલાની ઘટના હજુ તાજી છે ત્યાં અપના બજાર પાસે પાણીપુરીની લારી એ મફત પાણી પુરી ખાવાની બાબતે લુખ્ખા તત્વએ માથાકુટ કરી હતી. આવી ઘટનાઓ શહેરમાં હવે સામાન્ય બનતી જાય છે. પોલીસની ધાક ઓસરતી જતી હોય તેમ લુખ્ખા તત્વ બેફામ બની ગયા છે. અને એક પછી એક ઘટનાઓ બનવાના કારણે શહેરીજનો પણ ત્રાહિમામ થઈ ગયા છે. થોડા દિવસ પહેલાં જ ચા ની હોટલે મફતમાં ચા પીવા બાબતે અજાણ્યા શખ્સોએ ચા ની હોટલના સંચાલક બંધુઓ ઉપર હુમલો ર્યાની ઘટનામાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.
દરમિયાન ગત રાત્રિના સમયે જામનગર શહેરમાં ટાઉનહોલ નજીક આવેલા અપનાબજાર પાસે પાણીપુરીની લારીના સંચાલકને ત્યાં પાણી પુરી ખાવા આવેલા અજાણ્યા શખ્સોેએ પાણીપુરી ખાધા બાદ પૈસા આપવાના સમયે લારીના સંચાલક સામે લુખ્ખાગીરી કરી હતી અને મફતમાં પાણીપુરી ખાઈને જતા રહયા હતાં. જો કે, શહેરમાં એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે, પાણી પુરી મફતમાં ખાવાવાળી ગેંગ સક્રિય બની છે અને આ ગેંગ દ્વારા ચીજવસ્તુઓ ખાધા પછી પૈસા માંગતા સંચાલકોને લમધારવાની ઘટનાઓ પણ સામે આવી છે. શહેરમાં સામાન્ય બનતી જતી આવી લુખ્ખાગીરીની ઘટનાઓથી પોલીસની ધાક ઓસરતી જતી હોય તેવું શહેરીજનો અનુભવી રહ્યા છે અને લુખ્ખા તત્વો બેફામ બની લુખ્ખાગીરી કરી મફતમાં ચીજવસ્તુઓ આરોગીને નાશી જતાં હોય છે.