કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયામાં ગામની સીમમાં આવેલા ખેતરની બાજુમાં રહેલાં ખરાબાના ઉંડા ખાડામાં વરસાદના પાણીમાં ડુબી જતા બાળકનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયા ગામની સીમમાં દાણીધાર જવાના માર્ગ પર આવેલી દિલીપભાઈ પટેલના ખેતરની બાજુના ખરાબામાં ઉંડા ખાડામાં વરસાદનું પાણી ભરેલ હતું. આ પાણીમાં રાજેશભાઇ ઉકાભાઈ પરમાર નામના યુવાનનો પુત્ર અક્ષિત (ઉ.વ.11) નામનો બાળક ન્હાવા પડયો હતો તે દરમિયાન પાણીમાં ડુબી જતા બેશુદ્ધ થઇ જવાથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો વી.જે. જાદવ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.