સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમના 2019ના આંકડા જાહેર થયા છે, જેમાં બાળમૃત્યુના પ્રમાણની બાબતમાં, મોડેલ રાજ્ય ગણાવાતા ગુજરાતમાં અન્ય વિકસિત રાજ્યોની તુલનાએ પરિસ્થિતિ ખાસ સુધરી નથી. રાજ્યમાં હવે લેટેસ્ટ આંકડા મુજબ જન્મ લેતા દરેક હજાર બાળકોમાંથી 25 બાળકો મૃત્યુ પામે છે, જ્યારે આ બાળમૃત્યુ દર કેરળમાં 6, મહારાષ્ટ્રમાં 17, તામિલનાડુમાં 15, પશ્ચિમ બંગાળ તથા જમ્મુ-કાશ્મીરમાં 20, દિલ્હીમાં 11, પંજાબમાં 19 તથા કર્ણાટકમાં 21 છે.
બાળમૃત્યુના લેટેસ્ટ સર્વેક્ષણ મુજબ ગુજરાતમાં ગ્રામીણ અને શહેરી બાળમૃત્યુના પ્રમાણમાં મોટું અંતર છે. રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્ર બાળમૃત્યુ દર 29 છે, જ્યારે શહેરોમાં આ દર માત્ર 18 છે. રાજ્યમાં આ દર જે 25 છે, તેમાં પુરુષ જાતિમાં આ દર 26 અને સ્ત્રીમાં 24 છે. જોકે રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રે પુરુષ જાતિમાં આ દર 30 અને સ્ત્રીમાં 29 છે અને શહેરોમાં જે કુલ 18નો દર છે તેમાં પુરુષોમાં આ દર 19 અને સ્ત્રીઓમાં આ દર 17 છે. રાજ્ય સરકાર દ્વારા મોડલ ગણાવાતું ગુજરાત રાજ્ય, જોકે બાળમૃત્યુ દરની બાબતમાં નબળા ગણાતા રાજ્યો કરતાં સારી સ્થિતિ હોવાનો જશ ખાટી શકે છે, જેમાં બાળમૃત્યુ દર મધ્યપ્રદેશમાં 46, ઉત્તરપ્રદેશમાં 41, છત્તીસગઢ અને આસામમાં 40, રાજસ્થાનમાં 35 અને બિહારમાં 29 છે.
લેટેસ્ટ સર્વેક્ષણ પ્રમાણે અખિલ ભારતીય સ્તરે સરેરાશ બાળમૃત્યુ દર 30 છે, એટલે ગુજરાત માત્ર પાંચ અંક જ રાષ્ટ્રીય સરેરાશથી દૂર છે. અગાઉ 2018ના સવેક્ષણમાં રાજ્યનો બાળમૃત્યુ દર 28 હતો, જે હવે 25 થયો છે. બાળમૃત્યુ દરને સુખાકારી, આર્થિક સરતા, ગરીબાઈ, નિરક્ષરતા સાથે સીધો સંબંધ છે અને આ બધા પરિમાણો વિકાસ સાથે જોડાયેલા છે. ગુજરાતમાં બાળમૃત્યુ દર ઝડપથી ઘટાડવો હોય તો સરકારે આરોગ્ય સેવાઓ સુદઢ કરવી પડે.