કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામની સીમ વિસ્તારમાં રહેતા અને ખેતમજૂરી કરતો યુવક તેની માતા અને એક વર્ષના પુત્ર સાથે બાઈક પર જતો હતો તે દરમિયાન સાડીનો છેડો વ્હીલમાં ફસાઇ જતા બાળક દાદીના ખોળામાંથી નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચવાથી મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામની સીમમાં આવેલા કરશનભાઈ અજુડિયાના ખેતરમાં મજૂરી કામ કરતો સોબતભાઈ કેન્દ્રભાઈ ગણાવા (ઉ.વ.19) નામનો યુવક ગત તા.28 ના રોજ સવારના સમયે તેના એમપી-69-એમસી-7941 નંબરના બાઈક પર તેની માતા કમતુબેન અને પુત્ર મેહુલ સાથે ખાખરા ગામે જતો હતો તે દરમિયાન વિભાણીયા ગામના પાટીયા નજીક પહોંચ્યો ત્યારે કમતુબેનની સાડીનો છેડો બાઈકના પાછળના વ્હીલમાં આવી જતાં દાદી કમતુબેનના ખોળામાં બેસેલો મેહુલ (ઉ.વ.1) નામનો બાળક બાઈક પરથી નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યાં સારવાર દરમિયા તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા સોબતભાઈ દ્વારા જાણ કરાતા હેકો જી.આઈ.જેઠવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.