જામનગર તાલુકાના દરેડ ગામમાં મારવાડી વાસ પાસેથી પૂરઝડપે બેફીકરાઈથી પસાર થતા બાઈકસવારે માતા-પુત્રને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં આઠ માસના માસુમ બાળકનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે માતાને પગમાં અને શરીરે ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં તાલીમ ભવન ખાતે આવેલા મારવાડી વાસમાં રહેતાં કન્યાબેન ધર્મેશભાઈ રાઠોડ (ઉ.વ.22) અને તેના વર્ષના પુત્રને તેનીને ઘર નજીકના રોડ પરથી ગુરૂવારે રાત્રિના 11 વાગ્યાના અરસામાં ચાલીને જતાં હતાં તે દરમિયાન જીજે-10-બીએ-5003 નંબરના બાઈકસવારે તેનું બાઈક પૂરઝડપે – બેફીકરાઇથી ચલાવી માતા અને પુત્રને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં આઠ માસના બાળકને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે માતા કન્યાબેનને પગમાં અને શરીરે ઈજા થઈ હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત માતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવની ધર્મેશ રાઠોડ દ્વારા જાણ કરાતા હેકો આર.ડી. જાડેજા તથા સ્ટાફે બાઈકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.