આસામના મુખ્યમંત્રી કોણ બનશે તેના રહસ્ય પરથી આખરે પડદો ઊઠી ગયો છે. ભારતીય જનતા પક્ષે સર્બાનંદ સોનોવાલને મુખ્યમંત્રીપદેથી હટાવીને હિમંતા બિસ્વા સરમાને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. આસામની રાજધાની ગુવાહાટીમાં મળેલી ધારાસભ્યોની બેઠકમાં હિમંતા બિસ્વા સરમાના નામ પર મહોર મારવામાં આવી. વિધાનસભાની ચૂંટણી પછી બરાબર એક અઠવાડિયા બાદ મુખ્યમંત્રીનું નામ નક્કી કરી શકાયું. મુખ્યમંત્રીની પસંદગીનો મામલો છેક દિલ્હી સુધી પહોંચ્યો હતો. હિમંતા અને સર્બાનંદ બંને દિલ્હી ગયા હતા. ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ગૃહપ્રધાન અમિત શાહે સાથે મળીને સમાધાન શોધ્યું અને સર્બાનંદ સોનોવાલને મનાવી લીધા. સૌથી મોટો સવાલ એ છે કે, સર્બાનંદ સોનોવાલે ગત ટર્મમાં સારી કામગીરી કરી હતી છતાં તેમને કેમ બદલવામાં આવ્યા? આસામમાં ભાજપને બીજી વખત સત્તા મળી એના માટે તેમની કામગીરી પણ કારણભૂત છે. સાથોસાથ એ પણ હકીકત છે કે, હિમંતા બિસ્વા સરમાએ આસામમાં એગ્રેસિવ ચૂંટણી પ્રચાર કર્યો હતો. બીજો સવાલ એ કે, હવે સર્બાનંદ સોનોવાલને ભાજપ ક્યાં સમાવશે? શું તેમને કેન્દ્રમાં પ્રધાન બનાવાશે કે પછી બીજી કોઇ જવાબદારી સોંપવામાં આવશે? કેન્દ્રમાં પ્રધાન બનાવાય એવી શક્યતાઓ વધુ છે. સૂર્બાનંદ સોનોવાલ આમ પણ 2016માં આસામના મુખ્યમંત્રી બન્યા એ પહેલાં કેન્દ્રની મોદી સરકારમાં રમતગમત પ્રધાન હતા.
હિમંતા બિસ્વા સરમાને પણ ભાજપે સારી રીતે સાચવવા પડે એમ જ હતા. આસામની જાલુકબારી બેઠક પર સતત પાંચ વખત જીત મેળવનાર હિમંતા બિસ્વા સરમા અગાઉ કોંગ્રેસ સાથે હતા. કોંગ્રેસના નેતા અને આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. તરુણ ગોગોઇ સાથે મતભેદો થતા હિમંતા બિસ્વાએ 2015માં કોંગ્રેસ સાથે છેડો ફડી નાખ્યો હતો અને ભાજપ સાથે હાથ મિલાવી લીધા હતા. 2016ની વિધાનસભાની ચૂંટણી અને 2019ની લોકસભાની ચૂંટણીમાં આસામ સહિત પૂર્વોતરનાં રાજ્યોમાં ભાજપને આગળ લઇ જવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. 2016ની ચૂંટણીમાં સફ્ળતા મળી એ પછી ભાજપે તેમને નેડા એટલે કે નોર્થ ઇસ્ટ ડેમોક્રેટિક એલાયન્સના અધ્યક્ષ બનાવ્યા હતા. હિમંતા બિસ્વાનું વર્ચસ્વ માત્ર આસામમાં જ નહીં પણ નોર્થ ઇસ્ટના તમામ રાજ્યોમાં છે. સર્બાનંદ સોનોવાલની સરકારમાં તેઓ હેલ્થ મિનિસ્ટર હતા. પોલિટિકલ સાયન્સ અને લોની ડિગ્રી મેળવનારા હિમંતા બિસ્વાએ પીએચડી પણ કર્યું છે. આસામ હાઇકોર્ટમાં પાંચ વર્ષ સુધી પ્રેક્ટિસ કરનાર હિમંતા બિસ્વા આસામ ક્રિકેટ બોર્ડના વાઇસ પ્રેસિડેન્ટ અને બેડમિન્ટન એસોસિયેશનના પ્રેસિડેન્ટ તરીકે પણ રહી ચૂક્યા છે. ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હિમંતા બિસ્વા સરમાનું મુખ્યમંત્રી બનવાનું સપનું હતું, એ ભાજપે પૂરું કરવું પડે એમ જ હતું. એનું કારણ એ છે કે, ભાજપ માટે એ એસેટ છે.
કોંગ્રેસ છોડી ભાજપામાં ગયેલાં નેતાને મુખ્યમંત્રીપદ
આસામમાં ગડમથલ પછી હેમંત બિસ્વા બન્યા મુખ્યમંત્રી