રાજયના દરિયાકાંઠાના વિસ્તારોને સુરક્ષિત કરવા માટે રાજય સરકાર દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કાંઠાળ વિસ્તારોમાં ચાલતી રાષ્ટ્ર વિરોધી તેમજ ભેદી પ્રવૃતિઓને નેસ્તનાબુદ કરવા માટે સરકાર ખૂબજ ગંભીરતાપૂર્વક કામ કરી રહી છે. જેના ભાગરૂપે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી આજે બપોર બાદ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવી રહયા છે. તેઓ દ્વારકા જિલ્લામાં અતિ સંવેદનશીલ એવા બેટદ્વારકા, હર્ષદ તેમજ દ્વારકાના એ સ્થળોની મુલાકાત લેશે જયાં તાજેતરમાં રાજયનું સૌથી મોટું મેગા ડિમોલીશન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં વધી રહેલી દેશ વિરોધી પ્રવૃતિઓને ધ્યાનમાં રાખી આ પગલું લેવામાં આવ્યું હતું. ડિમોલીશન બાદની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી પહેલા સ્થળ નિરીક્ષણ કરશે. ત્યારબાદ સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી દરિયાકાંઠે રહેલાં સુરક્ષાના છીંડાઓ અંગે સમીક્ષા કરશે. તેમજ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપશે.
દરમ્યાન મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ગઇકાલે ગાંધીનગરમાં પણ રાજયના દરિયાકાંઠાની સુરક્ષા સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં રાજયના સરહદી વિસ્તારો જેવા કે કચ્છ, જામનગર, પોરબંદર, મોરબીના એસપી સાથે પણ સુરક્ષાને લઇને ચર્ચાઓ કરવામાં આવી હતી. ખાસ કરીને દરિયાઇ માર્ગે ઘુસાડવામાં આવતાં ડ્રગ્સ, શસ્ત્રો તેમજ ગેરકાયદે ઘૂસણખોરીની સમીક્ષા કરવામાં આવી હતી. કાંઠાળ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને સર્વેલન્સ સુદ્રઢ બનાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો. તેમજ આવી પ્રવૃત્તિઓને કેન્દ્ર સ્થાને રહેલાં ગેરકાયદેસર દબાણોનો સફાયો કરી દેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આજે બપોરે 3 વાગ્યા બાદ દ્વારકા આવી પહોંચશે. જયાં તેઓ ભગવાન દ્વારકાધિશના દર્શન કયા બાદ બેટ અને હર્ષદની મુલાકાતે રવાના થશે.