સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ ભરૂચ નર્મદા જિલ્લા BTP અને ભાજપના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અને BTPના છોટુવસાવા સામસામે આક્ષેપ પ્રતિ-આક્ષેપ કરી રહ્યા છે, જેથી રાજકારણ ગરમાઈ રહ્યું છે. BTPના અધ્યક્ષ અને ધારાસભ્ય છોટુ વસાવાએ ખેડૂત આંદોલન મુદ્દે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી કોર્પોરેટ સેક્ટરના ગુલામ છે, એટલે એનો નિકાલ થતો નથી અને આ આંદોલનનો નિકાલ નહીં આવે તો રાજકારણમાં વિસ્ફોટ થશે, જે રીતે ભારતમાં કોંગ્રેસની જે હાલત થઇ છે, એજ હાલત ભાજપની પણ થવાની છે કારણ કે, કોંગ્રેસના જ બધાને ભાજપમાં લઇ લે છે કારણ કે, ભાજપ માને છે કે કોઈ વિપક્ષ રહેવો ન જોઈએ તમે પણ આવો અને આપણે બધા ભેગા મળી આ દેશને લૂંટી લઈએ, એવું દેશમાં રાજકારણ ચાલી રહ્યું છે.
તાજેતરમાં હાલ BTP એ AIMIM સાથે ગઠબંધન કરતા રાજકીય ભૂકંપ આવ્યો છે, ત્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ BTP અને AIMIM ગાડાં છે કહીને BTP પર પ્રહાર કર્યાં હતા, ત્યારે BTPના છોટુ વસાવા એ તો મનસુખ વસાવા પર સ્લોગન બનાવી પ્રહાર કર્યાં છે. છોટુ વસાવાએ કહ્યું હતું કે, મનસુખભાઈ જ એક દુ:ખ છે, મનસુખ એ સુખ નથી નર્મદા અને ભરૂચનું એ દુ:ખ છે, એનું નામ જ મનસુખ છે. સાથે છોટુભાઈ વસાવાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપે ભારતીમેળો ચાલુ કર્યો છે. બેરોજગારોની ભરતી કરાતી નથી થતી પણ રાજકીય બેરોજગારોની ભરતી ચાલુ કરી છે, જે રીતે રાજ થવું જોઈએ એ રીતે થતું નથી, ત્યારે ખેડૂત આંદોલન વિષે પણ કહ્યું કે, આજે કિસાનોના આંદોલનના 80 દિવસ થવા આવ્યા પણ ઉકેલ સરકાર લાવતી નથી.
MLA મહેશ વસાવાએ પણ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી બેલ્ટ પર BTP ચૂંટણી લડશે આ અમારી સેમી ફાઈનલ છે, ત્યાર બાદ આ તમામ જગ્યાએ વિધાનસભાની ચૂંટણીમાં અમે ઉમેદવારો પણ ઉતારીશું પ્રજા જાણે છે. કોણ આદિવાસીઓ હિતેચ્છુ છે.
AIMIM અસદુદ્દીન ઔવેસીના ગુજરાત પ્રવાસ દરમિયાન ભાજપ, મોદી અને અમિત શાહને લઇને નિવેદનો કર્યાં હતા, ત્યારે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ AIMIM અસદુદ્દીન ઔવેસીને બોલવામાં મર્યાદા રાખવાની સલાહ આપી હતી. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, BTP-AIMIM બંને તો ગાંડા છે. એમના ગઠબંધનથી કોંગ્રેસને ખૂબ મોટું નુકશાન જશે ભાજપને કોઈ જ ફરક નહીં પડે. BTP-AIMIM અલગતાવાદી વિચારધારા ધરાવતી પાર્ટી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ બન્ને પાર્ટીનું અસ્તિત્વ ખતમ થઈ જશે, BTP-AIMIMની કોઈ હેસીયત નથી કે, ભાજપને ચૂંટણીમાં હરાવી શકે.