જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 4 દિવસથી પીજીવીસીએલની ટીમો દ્વારા વિજચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આજે ચોથા દિવસે જામનગર શહેર, નગરસીમ અને ગ્રામ્ય સબડિવિઝનના વિસ્તારમાં 33 ટૂકડીઓ દ્વારા ચેકિંગ કામગીરી શરૂ કરાઇ છે. આ પૂર્વે 3 દિવસ દરમ્યાન કુલ 1500 જોડાણા તપાસતા તે પૈકીના કુલ 286 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા 61.31 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં.
આ અંગેની વિગત મુજબ જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ જિલ્લામાં છેલ્લાં 4 દિવસથી વિજચોરી ઝડપી લેવાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં આજે જામનગર શહેર, નગરસીમ અને ગ્રામ્ય સબડિવિઝનના ગોકુલનગર, દિગ્વિજય પ્લોટ, ઢિચડા રોડ, દરેડ સહિતના વિસતારોમાં 33 ટૂકડીઓ દ્વારા 19 લોકલ પોલીસ અને ચાર વિડિયો ગ્રાફરો સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ પૂર્વે સોમવારે પીજીવીસીએલની 34 ટૂકડીઓ દ્વારા 20 લોકલ પોલીસ 15 એસઆરપી જવાન અને 3 વિડિયો ગ્રાફરો સાથે આર્ય સમાજ રોડ, વલ્લભનગર, શાસ્ત્રીનગર, 49 દિગ્વિજય પ્લોટ અને કાલાવડ નાકા બહારના વિસ્તારોમાં ચેકિંગ દરમ્યાન કુલ 471 જોડાણો તપાસતા તે પૈકીના 88માં ગેરરીતિ ઝડપાતા રૂા.23.01 લાખના બીલો ફટકાર્યા હતાં.
તેમજ બીજા દિવસે મંગળવારે 32 ટુકડીઓ દ્વારા 20 લોકલ પોલીસ 15 એસઆરપી જવાન અને ત્રણ વિડિયો ગ્રાફરો સાથે જામનગર શહેરના સબડિવિઝનના રંગુનવાલા હોસ્પિટલ, બંગલાવાડી, ખોજાનાકા, ધરાનગર, નવાગામ ઘેડ અને ભીમવાસના વિસ્તારોમાં કુલ 492 જોડાણો તપાસતા 92 જોડાણોમાંથી ગેરરીતિ ઝડપાતા રૂા.17.50 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં અને ત્રીજા દિવસે બુધવારે 35 ટૂકડીઓ દ્વારા લોકલ પોલીસ અને એસઆરપી જવાન તથા વિડિયો ગ્રાફરો સાથે પટેલ કોલોની અને હાપા સબડિવિઝન તથા સીટી-1ના વિસ્તારોમાં ચેકિંગ કાર્યવાહીમાં કુલ 537 જોડાણો તપાસતા તે પૈકીના 106 જોડાણોમાંથી ગેરરીતિ ઝડપાતા રૂા.20.80 લાખના બીલો ફટકાર્યા હતાં. આમ ત્રણ દિવસ દરમ્યાન પીજીવીસીએલની ટીમે કુલ 1500 જોડાણો તપાસતા 286 જોડાણોમાંથી ગેરરીતિ ઝડપાતા 61.31 લાખના બીલો ફટકાર્યા હતાં.